December 25, 2024

ક્રિસમસ પહેલાં અમેરિકન એરલાઇન્સના પૈડા થંભ્યા, હજારો યાત્રિકોનું આયોજન ખોરવાયું

American Airlines: રોઇટર્સના જણાવ્યા અનુસાર, અમેરિકન એરલાઇન્સ કંપનીની સૂચના અનુસાર, અમેરિકન એરલાઇન્સે અજ્ઞાત તકનીકી સમસ્યાને કારણે યુએસમાં તેની તમામ ફ્લાઇટ્સ રદ કરી છે. જેના કારણે ક્રિસમસ પૂર્વે વિવિધ સ્થળોએ જનારા હજારો પ્રવાસીઓના પ્રવાસના આયોજનો ખોરવાયા હતા.

અમેરિકાના એરપોર્ટ પર હજારો મુસાફરો ફસાયા
અમેરિકન એરલાઇન કંપની દ્વારા લેવામાં આવેલા અચાનક નિર્ણયને કારણે હજારો મુસાફરો અમેરિકાના વિવિધ એરપોર્ટ પર ફસાયા છે. ત્યારે આ અંગે સોશિયલ મીડિયા પર ઘણા મુસાફરો તરફથી પ્રતિક્રિયાઓ પણ આપવામાં આવી રહી છે. જ્યારે ક્રિસમસ પર પોતાના લોકો પાસે જવા નીકળતા તમામ મુસાફરોમાં અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

હજારો મુસાફરો એરપોર્ટ પર બોર્ડિંગ માટે તૈયાર ઉભા હતા
રોઇટર્સ અનુસાર, ઘણા એરપોર્ટ પર ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત એવા સમયે કરવામાં આવી હતી, જ્યારે હજારો મુસાફરો બોર્ડિંગ માટે તૈયાર હતા. હાલમાં ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ કહ્યું છે કે, અમેરિકન એરલાઇન્સની તમામ ફ્લાઇટ્સ હવે શરૂ થઈ રહી છે.