USએ ચીન પર ફોડ્યો ‘ટેરિફ બોમ્બ’, ટ્રમ્પની ચેતવણી બાદ 104% ટેક્સ લાદવામાં આવ્યો

US Tariff on China: અમેરિકા અને ચીન હવે ટેરિફને લઇને આમને-સામને આવી ગયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણીના એક દિવસ બાદ વ્હાઇટ હાઉસે ચીન પર 104% ટેરિફ લાદવાની પુષ્ટિ કરી છે. ચીન પરનો નવો વધેલો ટેરિફ આવતીકાલથી લાગુ થશે. ફોક્સ બિઝનેસના અહેવાલ મુજબ વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ કહ્યું છે કે ચીને તેની જવાબી કાર્યવાહી પાછી ખેંચી નથી, તેથી વધારાનો 104% ટેરિફ લાદવામાં આવશે. આ વધારાનો ટેરિફ 9 એપ્રિલથી વસૂલવામાં આવશે.
ટ્રમ્પે ચીનને ચેતવણી આપી
નોંધનીય છે કે, 2 એપ્રિલની જાહેરાતમાં ટ્રમ્પે ચીન સહિત 180 દેશો પર કન્સેશનલ પારસ્પરિક ટેરિફ લાદ્યો હતો, જેના જવાબમાં ચીને પણ અમેરિકા પર ટેરિફ લાદ્યો હતો. ટ્રમ્પે આ ટેરિફ અંગે ચીનને સ્પષ્ટ ચેતવણી આપી હતી.ટ્રમ્પે કહ્યું હતું કે જો ચીન 8 એપ્રિલ સુધીમાં અમેરિકા પર લાદવામાં આવેલ ટેરિફ દૂર નહીં કરે તો તેના પર વધારાનો 50 ટકા ટેરિફ લાદવામાં આવશે. એટલું જ નહીં, ચીન દ્વારા પ્રસ્તાવિત કોઈપણ બેઠક પરની વાતચીત પણ તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવશે.