અમેરિકાએ MDH અને Everstના 31% મસાલા પરત મોકલ્યાં
અમદાવાદ: ભારતની બે મોટી મસાલા બ્રાન્ડ આ દિવસોમાં ચર્ચામાં છે. કેન્સર કરતી જંતુનાશકોના ઉપયોગના આરોપને કારણે MDH અને એવરેસ્ટ મસાલાના કેટલાક ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યા પછી હવે તેને લઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જોકે, બંને ભારતીય કંપનીઓએ સ્પષ્ટપણે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
આખરે હોંગકોંગ-સિંગાપોરમાં વેચાણ પર પ્રતિબંધ શા માટે?
નોંધનીય છે કે અગાઉ MDHના મદ્રાસ કરી પાવડર, સાંબર મસાલા પાવડર અને કરી પાઉડરના વેચાણ પર ખતરનાક જંતુનાશકોના ઉપયોગને કારણે હોંગકોંગમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારબાદ એવરેસ્ટ બ્રાન્ડની પ્રોડક્ટનું વેચાણ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે જંતુનાશક તરીકે ઉપયોગમાં લેવાતા ઇથિલિન ઓક્સાઈડને કૃષિ ઉત્પાદનોમાં ભેળવવામાં આવે છે, જેનાથી કેન્સરનું જોખમ રહે છે. હોંગકોંગ બાદ સિંગાપોરે પણ આ બંને કંપનીઓની મસાલા બ્રાન્ડને રડાર પર લીધી છે. બંને દેશોએ દાવો કર્યો હતો કે તેઓએ મસાલાના કેટલાક મિશ્રણોમાં કાર્સિનોજેનિક જંતુનાશક ઇથિલિન ઓક્સાઇડની હાજરી શોધી કાઢી હતી.
આ પણ વાંચો: Go Firstને મોટો ઝટકો, હાઈકોર્ટે તમામ વિમાનોના રજિસ્ટ્રેશન કર્યા રદ
અમેરિકાની FDAએ પણ તપાસ શરૂ કરી
હોંગકોંગ અને સિંગાપોર બાદ હવે અમેરિકા પણ આ મસાલા બ્રાન્ડ્સને લઈને એલર્ટ મોડમાં આવી ગયું છે. એટલું જ નહીં માલદીવે આ મસાલાના વેચાણ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. એક અહેવાલ મુજબ, યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) એ એમડીએચ અને એવરેસ્ટ મસાલામાં આવા જંતુનાશકોના ઉપયોગને શોધવા માટે તેની તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે, અમેરિકામાં ગત વર્ષથી જ આ મસાલાની નિકાસ ઓછી થઈ હતી. અમેરિકાના અધિકારીઓએ અત્યાર સુધીમાં 31% મસાલા સ્વિકાર્યા નહોતા.
MDHએ કહ્યું- આ આરોપો પાયાવિહોણા છે
એક તરફ એક પછી એક દેશમાં આ બે ભારતીય મસાલા બ્રાન્ડની સમસ્યાઓ વધી રહી છે તો બીજી તરફ એમડીએચ અને એવરેસ્ટ દ્વારા આવા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. MDH એ તેના ઉત્પાદનોમાં કેન્સર પેદા કરતા રસાયણોના ઉપયોગના આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે આ દાવાઓ સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખોટા છે અને તેના માટે કોઈ નક્કર પુરાવા નથી. આ પહેલા એવરેસ્ટે પણ કહ્યું હતું કે, તેના મસાલા સલામત છે અને ભારતીય મસાલા બોર્ડની લેબમાંથી જરૂરી મંજૂરી મેળવ્યા પછી જ તેની નિકાસ કરવામાં આવે છે.