ભારતની નીતિ સામે અમેરિકાએ કરવું પડ્યું સરેન્ડર, 3 ભારતીય કંપનીઓ પર હટાવ્યો પ્રતિબંધ
America: અમેરિકાએ ત્રણ ભારતીય કંપનીઓ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને ગયા અઠવાડિયે કહ્યું હતું કે અમેરિકા ભારતની અગ્રણી પરમાણુ સંસ્થા અને અમેરિકન કંપનીઓ વચ્ચે પરમાણુ ભાગીદારી પર લાંબા સમયથી લાગેલા પ્રતિબંધને હટાવી રહ્યું છે. પ્રતિબંધો દૂર કરવા માટે પગલાં લઈ રહ્યું છે. તેમના નિવેદન પછી આજે આ નિર્ણય સામે આવ્યો.
યુએસ બ્યુરો ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ સિક્યુરિટી (BIS) એ ત્રણ ભારતીય પરમાણુ સંસ્થાઓ – ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC), ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ (IGCR) અને ઇન્ડિયન રેર અર્થ્સ લિમિટેડ (IREL) – ને પ્રતિબંધિત યાદીમાંથી દૂર કરી છે.
BIS એ જણાવ્યું હતું કે અમેરિકા અને ભારત શાંતિપૂર્ણ પરમાણુ ભાગીદારી અને સહયોગી સંશોધનને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે એમ પણ કહ્યું કે છેલ્લા ઘણા વર્ષોમાં વિજ્ઞાન અને ટેકનોલોજી સહયોગ મજબૂત થયો છે, જેનો લાભ બંને દેશો અને વિશ્વભરના તેમના ભાગીદાર દેશોને મળ્યો છે.
આ પણ વાંચો: સૈફ-કરીનાને લઈને નફરત…. કોંગ્રેસ સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ આ શું કહ્યું…?
આ પગલાથી બંને દેશો વચ્ચે સંયુક્ત સંશોધન અને વિકાસ, ટેકનોલોજી સહયોગ અને ઊર્જા સુરક્ષા પ્રયાસોને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે. આ પગલું 2008ના નાગરિક પરમાણુ કરારને નવી ગતિ આપવાના પ્રયાસનો પણ સંકેત આપે છે, જેની કલ્પના મૂળરૂપે તત્કાલીન યુએસ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશ અને વડા પ્રધાન મનમોહન સિંહ દ્વારા શાંતિપૂર્ણ પરમાણુ સહયોગને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી.