February 7, 2025

ફિલિપાઈન્સમાં યુએસ આર્મીનું પ્લેન ક્રેશ, અકસ્માતમાં 4 લોકોના મોત

Philippines: ફિલિપાઈન્સના દક્ષિણ ભાગમાં ગુરુવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ. જ્યારે યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટનું નાનું પ્લેન ક્રેશ થઈ ગયું. વિમાનમાં સવાર તમામ ચાર લોકો મૃત્યુ પામ્યા હતા. જેમાં યુએસ સર્વિસ મેમ્બર અને ત્રણ સુરક્ષા કોન્ટ્રાક્ટરનો સમાવેશ થાય છે. યુએસ ઈન્ડો-પેસિફિક કમાન્ડે આ ઘટનાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે વિમાન ફિલિપાઈન્સની સૈન્યની વિનંતી પર ગુપ્ત માહિતી, દેખરેખ અને (ISR) સપોર્ટ પ્રદાન કરી રહ્યું હતું.

યુએસ ઈન્ડો-પેસિફિક કમાન્ડે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે મિંડાનાઓ ટાપુ પર નિયમિત સુરક્ષા સહયોગ મિશન દરમિયાન આ અકસ્માત થયો હતો. તેમણે કહ્યું, ‘આ વિમાન યુએસ-ફિલિપાઈન્સ સુરક્ષા સહયોગ પ્રવૃત્તિઓના ભાગરૂપે ઉડાન ભરી રહ્યું હતું.’ દુર્ઘટનામાં માર્યા ગયેલા ચાર લોકોની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, કારણ કે પહેલા તેમના પરિવારોને જાણ કરવી જરૂરી છે. અમેરિકી સૈન્ય અધિકારીઓએ પુષ્ટિ કરી કે આ અકસ્માતમાં કોઈ બચ્યું નથી.

યુએસ સૈન્યની ફિલિપાઇન્સમાં મર્યાદિત હાજરી છે, જ્યાં તેઓ ટૂંકા ગાળાના જમાવટના આધારે કાર્ય કરે છે. યુએસ સેનાએ ફિલિપિનો સૈનિકોને ઇસ્લામિક સ્ટેટ (ISIS) સાથે જોડાયેલા આતંકવાદીઓ સામે ગુપ્ત માહિતી અને લશ્કરી સહાય પૂરી પાડી છે. મિંડાનાઓ ટાપુમાં કાર્યરત આતંકવાદી જૂથો વિરુદ્ધ અમેરિકા અને ફિલિપાઈન્સ વચ્ચેની આ ભાગીદારી લાંબા સમયથી ચાલી રહી છે.

આ પણ વાંચો: ઠંડા પવનને કારણે દિલ્હી-UPમાં પડશે ઠંડી, અહીં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

ફિલિપાઈન્સ સેનાએ આ દુર્ઘટના સંબંધિત માહિતી શેર કરવાનો ઈન્કાર કરી દીધો છે, કારણ કે આ બાબતને ગોપનીય ગણાવવામાં આવી છે અને તેની તપાસ ચાલી રહી છે. પ્રાદેશિક પોલીસ પ્રવક્તા જોપી વેન્ચુરાએ એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે ‘ઓથોરિટીએ હજુ સુધી નક્કી કર્યું નથી કે પ્લેન ક્રેશ થવાનું કારણ શું છે. પ્લેન એમ્પાટુઅન મ્યુનિસિપાલિટી પાસેના એક ખેતરમાં પડ્યું હતું, જેના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.

પુરાવા સાથે છેડછાડ ન થાય તે માટે અકસ્માત સ્થળે પોલીસ અને સૈન્ય દળોને તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અકસ્માતની વિવિધ શક્યતાઓની તપાસ કરવામાં આવી રહી છે, જેમાં ટેકનિકલ નિષ્ફળતા અને બાહ્ય હસ્તક્ષેપ જેવા પરિબળોનો સમાવેશ થાય છે. અમેરિકન અને ફિલિપાઈન્સની સેના સંયુક્ત રીતે આ દુર્ઘટના અંગે વિગતવાર તપાસ કરી રહી છે.