US Heatwave: અમેરિકામાં ગરમીનો પ્રકોપ, 7.5 કરોડ લોકો પર તોળાતો ખતરો

US Heatwave: દુનિયાભરમાં કલેમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે. જ્યાં એક તરફ દેશમાં ચોમાસું ટકોરા દઈ રહ્યું છે છતાં મોટાભાગના રાજ્યોમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ, યુરોપ અને અમેરિકામાં પણ તાપમાન રેકોર્ડ સપાટીએ પહોંચી રહ્યું છે.

અમેરિકામાં ગરમી એટલી હદે વધી રહી છે કે અહીંયા 7.5 કરોડ લોકોના આરોગ્યને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. કહેવામાં આવ્યું છે કે હીટવેવના મધ્ય-એટલાન્ટિક અને ન્યુ ઈંગ્લેન્ડ સુધી પહોંચવાને કારણે છેલ્લા કેટલાંક દિવસોમાં અમેરિકામાં તાપમાનનો પારો ખાસ્સો વધી ગયો છે. આ ઉપરાંત ભેજનું પ્રમાણ વધતાં સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.

અમેરિકન હવામાન વિભાગે કહ્યું છે કે જૂનના પ્રથમ બે અઠવાડિયામાં તાપમાન સામાન્યથી 5.6 ડિગ્રી વધારે નોંધાયું છે. તો, જૂનની શરૂઆતમાં સૌથી વધુ ગરમીનો પણ રેકોર્ડ છે. રાષ્ટ્રીય હવામાન સેવાના એક વૈજ્ઞાનિકે આ સ્થિતિને લઈને એલર્ટ આપતા લોકોને સવારે 10થી સાંજના 6 દરમિયાન ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. સાથે જ તેમણે સતત પાણી પીવાનો આગ્રહ રાખવા અને ટાઈટ કપડાં ન પહેરવા માટે પણ અપીલ કરી છે.

તો બીજી બાજુ, ન્યૂ મેક્સિકોના અનેક વિસ્તારોમાં તાપમાન 107 ડિગ્રી ફેરનહીટ એટલે કે 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. તો, દક્ષિણી કોલોરાડોમાં તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જે સામાન્ય કરતાં ખૂબ જ વધારે છે. આ વધી રહેલી ગરમીને કારણે અમેરિકામાં મોટા પ્રમાણમાં જંગલોમાં આગ પણ લાગી રહી છે. લોસ એન્જલ્સના પૂર્વમાં લાગેલી આગને કારણે ફાયર્ન જવાનો સતત તેને કાબૂ કરવા જહેમત ઉઠાવી રહ્યા છે.