January 16, 2025

રોકી દઈશું મદદ… ઈરાન સામે તણાવ વચ્ચે ઈઝરાયલને અમેરિકાની ચેતવણી

Gaza: ગાઝામાં ચાલી રહેલા માનવીય સંકટ પર અમેરિકાએ કડક વલણ અપનાવ્યું છે. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન અને સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્ટીને ઈઝરાયલને પત્ર લખીને ચેતવણી આપી છે કે જો ગાઝામાં માનવતાવાદી સહાયમાં કોઈ સુધારો નહીં થાય તો ઈઝરાયલને આપવામાં આવતી સૈન્ય સહાય બંધ કરી દેવામાં આવશે.

અમેરિકાએ પત્ર દ્વારા ઈઝરાયલ સમક્ષ ઘણી મહત્વની માંગણીઓ કરી છે. આ પત્રમાં ગાઝામાં દરરોજ 350 ટ્રકને પ્રવેશવાની પરવાનગી આપવા અને તેની ક્રિયાઓ દરમિયાન માનવ અધિકારોનું સન્માન કરવાની માંગ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક મહિનામાં ગાઝા સુધી પહોંચતી સહાયમાં મોટો ઘટાડો થયો છે, જેના કારણે ગાઝાનું સંકટ વધી રહ્યો છે.

યુએસ ચૂંટણી પહેલા ચેતવણી
અમેરિકાની આ માંગ અમેરિકી ચૂંટણીના થોડા અઠવાડિયા પહેલા જ સામે આવી છે. ઈઝરાયલને માંગણી પૂરી કરવા માટે એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે. જો ઈઝરાયલ 13 નવેમ્બર સુધીમાં ગાઝામાં માનવતાવાદી સહાયનો પ્રવાહ નહીં વધારે તો અમેરિકા ઈઝરાયલને સૈન્ય સહાય બંધ કરી શકે છે.

ચૂંટણી પહેલા સમગ્ર અમેરિકામાં ચાલી રહેલા પેલેસ્ટાઈન તરફી પ્રદર્શનોએ બાઈડન વહીવટીતંત્રની ચિંતા વધારી દીધી છે. ગાઝામાં યુદ્ધવિરામ અને બંધકની ડીલ થઈ શકી ન હોવાથી આરબ અને મુસ્લિમ મતદારોનું વલણ ડેમોક્રેટિક પાર્ટીથી નારાજ છે. આ સમયે અમેરિકાની માંગ એ સ્પષ્ટ કરે છે કે માનવતાવાદી પરિસ્થિતિમાં સુધારો કરવો એ બાઈડન વહીવટીતંત્રની નૈતિક જવાબદારી જ નહીં, પરંતુ ખાસ રાજકીય જરૂરિયાત પણ છે.

આ પણ વાંચો: CEC રાજીવ કુમારના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ, ખરાબ હવામાન બન્યું કારણ

પત્ર પર ઈઝરાયલનો જવાબ
આ પત્રના જવાબમાં ઈઝરાયલના અધિકારીઓએ સંકેત આપ્યો છે કે તેઓ યુએસની આ માંગણીઓ પર ધ્યાન આપવા માગે છે. જો કે ઈઝરાયલે અગાઉ માનવતાવાદી સહાય વધારવાની વાત કરી હતી. પરંતુ સપ્ટેમ્બર મહિનામાં ગાઝામાં સહાયનો પ્રવાહ 50 ટકા ઘટ્યો હતો.

ગાઝા માટે વિશ્વભરમાંથી સહાય ટ્રકો હાલમાં રફાહ ક્રોસિંગ પર પાર્ક છે. જેનું નિયંત્રણ સંપૂર્ણપણે ઈઝરાયલના હાથમાં છે. હવે જોવાનું એ રહે છે કે અમેરિકાની માંગને પગલે ગાઝાના રહેવાસીઓની જરૂરિયાતો પૂરી થઈ શકશે કે પછી ઈઝરાયલના હુમલાથી માનવતાવાદી પરિસ્થિતિ વધુ બગડશે.