May 6, 2024

અમેરિકામાં મિનિ ઇન્ડિયા

Prime 9 With Jigar: અમેરિકાએ 2022ના વર્ષમાં કેટલા વિદેશીઓને અમેરિકાની નાગરિકતા આપી એના આંકડા હમણાં બહાર આવ્યા છે. આ આંકડા પ્રમાણે, 2022માં અમેરિકાએ 65 હજાર 960 ભારતીયોને યુએસ સિટિઝનશીપ આપી છે. ભારત કોઈને ડ્યુઅલ સિટિઝનશીપ આપતું નથી તેથી આ 65 હજાર 960 ભારતીયોએ યુએસ સિટિઝનશીપ મેળવવા માટે ભારતીય નાગરિકતા છોડી દીધી છે એ કહેવાની જરૂર નથી. ભારતીયોના અમેરિકા તરફના ક્રેઝનું આ એક વધુ ઉદાહરણ છે પણ તેની વાત કરતાં પહેલાં અમેરિકાએ આપેલા 2022ના વર્ષના યુએસ સિટિઝનશીપ અંગેના બીજા આંકડા પર નજર કરીએ.

અમેરિકામાં સમાયું વિશ્વ

  • USમાં સિટિઝનશિપનો વધ્યો ક્રેઝ.
  • મેક્સિકો પહેલા અને ભારતીયો બીજા સ્થાને.
  • મેક્સિકોના 1,28,878 લોકોને USની સિટિઝનશિપ.
  • અમેરિકાએ 9,69,380 વિદેશીઓને US સિટિઝનશિપ આપી.
  • ત્રીજા સ્થાને ફિલિપાઈન્સ અને ચોથા સ્થાને ક્યૂબા.
  • પાંચમાં સ્થાને ડોમિનિક રિપબ્લિક, છઠ્ઠા સ્થાને વિયેતનામ.
  • ચીન સાતમા સ્થાને.

એક સમયે મેક્સિકો પછી બીજાં નબરે ચીન રહેતું પણ અમેરિકા સાથેના સંબંધો બગડતાં છેક સાતમા સ્થાને જતું રહ્યું છે. હવે, કયા દેશના કેટલા લોકોને યુએસ સિટિઝનશીપ મળી?

અમેરિકામાં સમાયું વિશ્વ
ફિલિપાઈન્સ ક્યુબા ડોમિનિક રિપબ્લિક વિયેતનામ ચીન
53,413 46,913 34,525 33,246 27,038

લોકોને યુએસ સિટિઝનશીપ મળી છે. અમેરિકાની સંસદે બહાર પાડેલા રિપોર્ટ પ્રમાણે, અમેરિકામાં 2022ના અંત સુધીમાં કુલ 4.60 કરોડ વિદેશી મૂળના નાગરિકો વસવાટ કરતા હતા.

અમેરિકામાં સમાયું વિશ્વ

  • અમેરિકાની કુલ વસતી 33.30 કરોડ.
  • 4.60 કરોડ લોકો વિદેશી મૂળના.
  • અમેરિકામાં વિદેશી મૂળના લોકો 14%.

અમેરિકામાં ભારત અને ચીનના લોકો કેટલી સંખ્યામાં રહે છે.

અમેરિકામાં સમાયું વિશ્વ

  • 28,31,330 લોકો ભારતીય મૂળના.
  • 22,25,447 લોકો ચાઇનીઝ મૂળના.

અમેરિકાની 33.30 કરોડની કુલ વસતીમાં ભારતીય મૂળનાં નાગરિકોનું પ્રમાણ એક ટકાથી પણ ઓછું છે. અલબત્ત અમેરિકામાં મોટા પ્રમાણમાં ભારતીયો ગેરકાયદે રીતે રહે છે. પેઢીઓથી અમેરિકામાં રહેતા હોવાથી જેમની ઓળખ અમેરિકન થઈ ગઈ છે એવા ભારતીય મૂળનાં લોકો પણ છે. આ બધાંને ગણતરીમાં લેવાય તો આંકડો 50 લાખને પાર થઈ જાય.

ડૉલરનું ડ્રીમ

  • 2022માં અમેરિકાએ 9,69,380 વિદેશીઓને US સિટિઝનશિપ આપી.
  • લગભગ 66 હજાર ભારતીયોનો સમાવેશ.
  • ભારતીયોનું પ્રમાણ 14ટકાથી વધારે.

આ પ્રમાણ અમેરિકા પ્રત્યેના ભારતીયોના ક્રેઝનો વધુ એક પુરાવો છે. ભારતીયો વિદેશનું નાગરિકત્વ સ્વીકારે તેના કારણે દેશની ટેલેન્ટ તો બહાર જાય જ છે પણ દેશનું ધન પણ બહાર ખેંચાઈ જાય છે. અમેરિકામાં 5 લાખ ડૉલર એટલે કે લગભગ 4.25 કરોડ રૂપિયાનું રોકાણ કરીને પણ તમે સિટિઝનશિપ મેળવી શકો છો. બધા ભારતીયો એ રીતે સિટિઝનશિપ નથી મેળવતા પણ માનો કે, 10 હજાર પરિવારે પણ આ રીતે સિટિઝનશિપ માટે નાણા ખર્ચ્યાં હોય તો ભારતના 42,500 કરોડ રૂપિયા અમેરિકા પાસે જતા રહ્યા. સવાલ એ છે કે, ભારતીયોમાં અમેરિકા માટે આવો જબરદસ્ત ક્રેઝ કેમ છે ?

અમેરિકાનો ક્રેઝ કેમ?

  • અમેરિકાની લાઇફસ્ટાઇલ.
  • અમેરિકા સાથે જોડાયેલું સોશિયલ સ્ટેટસ.

અમેરિકાના ડોલરનો પાવર પણ મોટું કારણ છે. યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ વગેરે દેશોનું આકર્ષણ પણ એ દેશોનું ચલણ ભારતીય રૂપિયા કરતાં અનેક ગણું તાકાતવર છે એના કારણે છે.ડૉલરના ઉંચા ભાવના કારણે અમેરિકામાં મહેનત કરીને મેળવાતી કમાણી ભારતમાં અધધધ લાગે છે. ગુજરાતમાં લાખ રૂપિયાની નોકરી મેળવવી પણ અઘરી છે જ્યારે વિદેશમાં મજૂરી કરીને પણ લાખો રૂપિયા કમાઈ શકાય છે એવી માન્યતા લોકોમાં ઘર કરી ગઈ છે. અમેરિકામાં તમે દિવસના 100 ડોલર કમાઓ તો પણ 8 હજાર રૂપિયા થઈ જાય. મહિનાના ગણો તો લગભગ અઢી લાખ રૂપિયા થાય.ગુજરાતમાં મહિનામાં અઢી લાખ રૂપિયાની કમાણી મોટા ભાગનાં લોકો માટે સ્વપ્નવત છે જ્યારે અમેરિકામાં મજૂરી કરીને પણ આટલી કમાણી કરી શકાય તો જિંદગી મસ્ત થઈ જાય એવું મોટા ભાગના ગુજરાતીઓ માને છે. એક હકીકત એ છે કે, અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ તો ગુજરાતીઓની જિંદગી ભારતથી અલગ હોતી નથી. ભારતમાં રહેનારાં લોકોને અમેરિકામાં રહેતા ગુજરાતીઓની જિંદગી ડ્રીમ લાઈફ લાગે છે પણ વાસ્તવમાં એવું નથી. અમેરિકા ગયેલા ગુજરાતીઓમાંથી ઘણા ગુજરાતીઓ નામ કમાય છે, પૈસા કમાય છે, પ્રતિષ્ઠા કમાય છે અને લેવિશ કહી શકાય એવી લાઈફ પણ જીવે છે પણ એવા લોકોની સંખ્યા બહું ઓછી છે.ગુજરાતમાંથી પરિવાર સાથે અમેરિકા જતા ગુજરાતીઓમાંથી 90 ટકા ગુજરાતીઓની જિંદગી ગુજરાતની તેમની જિંદગી કરતાં અલગ હોતી નથી. જે લોકો સ્ટુડન્ટ વિઝા પર જાય છે અને એ પછી સારી નોકરી મેળવી લે છે તેમની જિંદગી સારી હોય છે. અહીં ગ્રેજ્યુએશન કર્યા પછી પોસ્ટ ગ્રેજ્યુએશન માટે અમેરિકા જાય પછી સારી રીતે સેટ થઈ જાય તો પણ જિંદગી સુધરી જાય છે. ડોક્ટર, એન્જીનિયર, આઈટી પ્રોફેશનલ્સ કે બીજા સ્કીલ્ડ લોકોની જિંદગી પણ સારી હોય છે પણ એવા લોકોની સંખ્યા બહુ નાની છે. એ પણ હકીકત છે કે, તમે અમેરિકાના સિટિઝન થઈ જાઓ તો ઘડપણમાં તમારે કોઈ ચિંતા કરવાની ના રહે. સરકાર તમને પેન્શન આપે એ લઈ આવવાનું અને શાંતિથી તેમાં ગુજારો કરીને જીવ્યા કરવાની સવલત છે.આ બધાં આકર્ષણોના કારણે ગુજરાતીઓ અમેરિકાથી પાછા આવતા નથી અને જે લોકો અહીં છે એ અમેરિકા જવા જીવની પણ પરવા કરતા નથી. આ વાત સાબિત કરતા બે કિસ્સા ગયા વર્ષે બન્યા હતા. એના પર પણ એક નજર કરીએ. પહેલા કિસ્સામાં એક પટેલ પરિવારનાં ચાર લોકો મોતને ભેંટ્યા હતા જ્યારે બીજા કિસ્સામાં ચૌધરી પરિવાર મોતને ભેંટ્યો હતો.

અમેરિકાનો ક્રેઝ કેમ?

  • આજથી લગભગ સવા વર્ષ પહેલાંની કરુણ ઘટના.
  • કલોલ પાસેના ડિંગુચાનો પટેલ પરિવાર ટ્રેજેડીનો ભોગ બન્યો.
  • અમેરિકા-કેનેડા બોર્ડર પર બની ઘટના.
  • માઇનસ 35 ડિગ્રી તાપમાનમાં થીજી ગયો પરિવાર.

39 વર્ષના જગદીશ પટેલ તેમનાં 37 વર્ષનાં પત્ની વૈશાલીબેન, 3 વર્ષના દીકરા ધાર્મિક અને 12 વર્ષની દીકરી વિહાંગી સાથે પગપાળા બરફમાં ચાલીને અમેરિકામાં ઘૂસવા જતા હતા પણ કાતિલ ઠંડીએ આખા પરિવારનો ભોગ લીધો હતો.આ ઘટના તાજી હતી ત્યાં જ એપ્રિલ મહિનામાં ગાંધીનગર પાસેના માણેકપુરના ચૌધરી પરિવાર સાથે આવી જ કરૂણાંતિકા બની ગઈ હતી. માણેકપુરના 50 વર્ષના પ્રવીણ ચૌધરી તેમનાં પત્ની દક્ષા, પુત્રી વિધી અને પુત્ર મિત સાથે હોડીમાં બેસીને અમેરિકા ઘૂસવા જતા હતા ત્યારે હોડી ડૂબી જતાં મોતને ભેંટ્યા હતા.

અમેરિકાનો ક્રેઝ કેમ?

  • કેનેડાના ક્યુબેક સ્ટેટ અને અમેરિકાના ન્યુયોર્કની સરહદની ઘટના.
  • સેંટ લોરેન્સ નદીમાં હોડીમાં બેઠા.
  • એજન્ટો પરિવારને અમેરિકામાં ઘૂસાડવા મથતા હતા.
  • હોડી ડૂબી જતાં 8 લોકોનાં મોત, ચૌધરી પરિવાર સામેલ

આ બંને ઘટનાએ લોકોને હચમચાવી નાંખ્યા હતા. આખો પરિવાર ઠંડીમાં થીજીને મોતને ભેંટે કે ડૂબી જવાથી મોત થાય એ આઘાતજનક જ કહેવાય. આ બંને ઘટનાઓ પરથી બોધપાઠ લઈને ગુજરાતીઓ કદાચ હવે પટેલ પરિવાર કે ચૌધરી પરિવારની જેમ જીવ જોખમમાં મૂકાય એ રીતે અમેરિકામાં ઘૂસના પ્રયત્ન નથી કરતા પણ મોહ તો નથી જ ઘટ્યો એ સ્પષ્ટ છે. તેનો તાજો દાખલો ગયા વરસે બનેલી નિકારાગુઆના ચાર્ટર્ડ પ્લેનની ઘટના હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં ફ્રાન્સની રાજધાની પેરિસથી 150 કિલોમીટર દૂર આવેલા વેટ્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દુબઈથી નિકારાગુઆ જઈ રહેલી ફ્લાઈટને રોકીને પછી બધા મુસાફરોને પાછા મોકલી દેવાયા હતા.

અમેરિકાનો ક્રેઝ કેમ?

  • ચાર્ટર્ડ ફ્લાઈટમાં હતા 303 મુસાફરો.
  • 280 ભારતીયો, 96 ગુજરાતીઓ.
  • ફ્રાન્સની સરકારે બે દિવસ ફ્લાઈટ રોકી રાખી.
  • ભારતીયોને પાછા ભારત મોકલી દેવાયા.

ફ્રાન્સની સરકારે આ ફ્લાઈટને કેમ રોકી? વાસ્તવમાં આ બધા અમેરિકામાં ઘૂસવા માટે નિકારાગુઆ જતા હતા. જોકે, અમેરિકાને ખબર પડી ગઈ તેથી ફ્રાન્સથી જ સૌને પાછા વળાવી દીધા. અમેરિકામાં ઘૂસણખોરી કરવા માટે છેલ્લા કેટલાક સમયથી નિકારાગુઆ લોચિંગ પેડ બની ગયું છે. દુનિયાભરમાંથી ચાર્ટર્ડ ફ્લાઈટ કરીને લોકો નિકારાગુઆ આવે છે. નિકારાગુઆથી મેક્સિકો-અમેરિકા સરહદ સુધી લઈ જવાનું આખું નેટવર્ક ચાલે છે. મધ્ય અમેરિકામાં આવેલા નિકારાગુઆથી અલ સાલ્વાડોર કે હોન્ડુરસ જવાય. ત્યાંથી ગ્વાટેમાલા જવાય. ગ્વાટેમાલાથી પછી મેક્સિકો જવાય. મેક્સિકો અને અમેરિકા જમીન સરહદથી જોડાયેલાં છે. મેક્સિકો સરહદેથી અમેરિકામાં ઘૂસાડવાનો ધંધો પૂરજોશમાં ચાલે છે. મેક્સિકો પહોંચો એટલે બે હજાર ડૉલરથી શરૂ કરીને દસ હજાર ડૉલર સુધી લઈને અમેરિકામાં ઘૂસાડી દેવાય છે. આપણા ભારતીયો પણ આ રીતે જ અમેરિકા પહોંચવાની ફિરાકમાં હતા પણ ફ્રાન્સની સરકારે તેમને રોકી દીધા. નિકારગુઆ થઈને મેક્સિકો સરહદે પહોંચીને પછી અમેરિકામાં ઘૂસવાનો રસ્તો પણ જોખમી છે જ. તેના પરથી સ્પષ્ટ છે કે, ગુજરાતીઓ અમેરિકા જવા માટે જોખમ ઉઠાવવા હજુય તૈયાર જ છે.ગુજરાતીઓના વિદેશ જવાના ક્રેઝનો વધુ એક પુરાવો ગુજરાતમાં વધી રહેલી વિઝા ફ્રોડની ફરિયાદો છે. ગુજરાતમાં 31 માર્ચ 2023 સુધીના ત્રણ નાણાંકીય વર્ષમાં વિઝાને નામે ઠગાઈને લગતી 139 ફરિયાદો કરવામાં આવી છે. આ ઠગાઈમાં લોકોએ 74.15 લાખ રૂપિયા ગુમાવ્યા છે. વિઝાના નામે ફ્રોડ કરનારા 114 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને 139 ઠગ હજી પણ ફરાર છે. વિધાનસભામાં રાજ્ય સરકાર તરફથી સત્તાવાર રીતે આ આંકડા અપાયા છે.

વિઝા ફ્રોડના કેસીસ

  • 2021-22માં વિઝા ફ્રોડના 48 કેસ.
  • 2022-23માં વધીને 62 પર પહોંચ્યા.
  • વિઝા ફ્રોડના કેસોમાં 113 ટકાનો ઉછાળો.
  • 2020-21માં નોંધાયા હતા ફક્ત 29 કેસ

આ કેસોમાંથી 70 ટકા કિસ્સા યુએસ કે કેનેડામાં જોબ કે વર્ક પરમિટ અપાવવાની લાલચ આપીને યુવાનોને ઠગવાના છે. બાકીના 20 ટકા ફ્રોડ એજ્યુકેશન વિઝાને લગતા છે અને 10 ટકા કેસ વિઝિટર વિઝા સાથે સંકળાયેલા છે.ખેર, ગુજરાતીઓનો અમેરિકા માટેનો ક્રેઝ કદી ઘટવાનો નથી એ વાસ્તવિકતા છે.