UPSCનું ફાઈનલ પરિણામ જાહેર, 3 ગુજરાતીઓ ટોપ 30માં

અમદાવાદઃ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)નું ફાઇનલ પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ટોપ 30માં 3 ગુજરાતીઓએ જગ્યા બનાવી છે. જેમાં ગુજરાતની હર્ષિતા ગોયલનો સમગ્ર દેશમાં બીજો નંબર આવ્યો છે. જ્યારે માર્ગી શાહ સમગ્ર દેશમાં ચોથા સ્થાને આવ્યા છે. આમ, ગુજરાતની દીકરીઓએ દેશમાં UPSCની પરીક્ષામાં ડંકો વગાડ્યો છે.
22 એપ્રિલના રોજ સિવિલ સર્વિસ પરીક્ષા (CSE)ના અંતિમ પરિણામો જાહેર કર્યા છે. UPSC સિવિલ સર્વિસ પરીક્ષા (CSE) 2024માં હાજર રહેલા ઉમેદવારો હવે તેમના અંતિમ પરિણામો ચકાસી શકે છે. UPSCએ સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર અંતિમ પરિણામો જાહેર કર્યા છે.
UPSCમાં આ ગુજરાતીઓએ બાજી મારી
દેશભરમાંથી 1099 ઉમેદવારોનો પાસ થયા. તેમાં જનરલ કેટેગરીના 335, ઇડબલ્યુએસના 109, ઓબીસીના 318 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે. એસસીના 160 જ્યારે એસટીના 87 ઉમેદવારોએ યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી છે. 230 ઉમેદવારો રિઝર્વ કેટેગરીમાં મૂકાયાં તો 180 ઉમેદવારોને આઈએએસ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. 55 ઉમેદવારોને આઇએફએસ કેટેગરીમાં, 147 ઉમેદવારો આઇપીએસ કેટેગરીમાં મૂકાયાં છે. સેન્ટ્રલ સર્વિસ ગ્રુપ એમાં 605, જ્યારે ગ્રુપ Bમાં 142 ઉમેદવારો મૂકવામાં આવ્યા છે.
UPSC સિવિલ સર્વિસીસ દ્વારા ભારતીય વહીવટી સેવાઓ (IAS), ભારતીય પોલીસ સેવાઓ (IPS) અને ભારતીય વિદેશ સેવાઓ (IFS), રેલવે ગ્રુપ A (ભારતીય રેલ્વે એકાઉન્ટ્સ સેવા), ભારતીય ટપાલ સેવા, ભારતીય ટ્રેડ સેવા અને અન્ય સેવાઓ માટે પસંદગી કરવામાં આવે છે.
UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા ત્રણ તબક્કામાં લેવામાં આવે છે- પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ. મેઇન્સ અને ઇન્ટરવ્યૂના પ્રદર્શનને આધારે અંતિમ મેરિટ યાદી જાહેર કરવામાં આવે છે.