January 18, 2025

સરકારી કર્મચારીઓ માટે નવી સ્કીમની જાહેરાત, હવે NPSની જગ્યા લેશે UPS

Unified Pension Scheme: સરકારી કર્મચારીઓમાં જૂની પેન્શન સ્કીમ (OPS)ની વધતી માંગ વચ્ચે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. અહેવાલો મળી રહ્યા છે કે નવી પેન્શન યોજના (NPS)ને બદલે, સરકારે હવે સરકારી કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) શરૂ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ અંગે સમજૂતી થઈ છે.

કેબિનેટના નિર્ણયની જાહેરાત કરતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, દેશભરના સરકારી કર્મચારીઓની હંમેશા એવી માંગ રહી છે કે NPS સ્કીમમાં સુધારો કરવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2023માં આ સુધારા માટે એક સમિતિની રચના કરી હતી. ડો.સોમનાથન આ સમિતિના અધ્યક્ષ હતા.

કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું કે આ સમિતિએ 100 થી વધુ સરકારી કર્મચારી સંગઠનો સાથે વાત કરી. આ સમિતિએ લગભગ તમામ રાજ્યો સાથે વાતચીત કરી. રાજ્ય સરકારના કર્મચારીઓના સંગઠનોને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. પીએમએ આ મુદ્દાને ગંભીરતાથી લીધો હતો. સમિતિની ભલામણના આધારે સરકારે સંકલિત પેન્શન યોજનાને મંજૂરી આપી છે.

આ ઉપરાંત, કેન્દ્રીય કેબિનેટે ત્રણ મુખ્ય યોજનાઓને ચાલુ રાખવાની મંજૂરી આપી છે, જેને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) ની સંકલિત કેન્દ્રીય ક્ષેત્રની યોજના ‘વિજ્ઞાન ધારા’ માં મર્જ કરવામાં આવી છે.

‘વિજ્ઞાન ધારા’ યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ્ય દેશમાં સાયન્સ, ટેકનોલોજી અને નવચારને લગતી ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ક્ષમતા નિર્માણની સાથે સંશોધન, નવીનતા અને ટેકનોલોજી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજનાના અમલીકરણથી શૈક્ષણિક સંસ્થાઓમાં સંપૂર્ણ સુસજ્જ R&D પ્રયોગશાળાઓને પ્રોત્સાહન આપીને દેશના વિજ્ઞાન અને ટેકનોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે.

મળતી માહિતી મુજબ, આ યોજનાનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય દ્વિપક્ષીય અને બહુપક્ષીય સહયોગ દ્વારા આંતરરાષ્ટ્રિય મેગા સવલતો સુધી પહોંચ દ્વારા મૂળભૂત સંશોધન, ટકાઉ ઊર્જા, પાણી વગેરેમાં લાગુ સંશોધન અને સહયોગી સંશોધન જેવા ક્ષેત્રોમાં સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે. તે S&T લેન્ડસ્કેપને મજબૂત કરવા અને પૂર્ણ-સમયના સમકક્ષ સંશોધકોની સંખ્યામાં સુધારો કરવા માટે દેશના R&D આધારને વિસ્તૃત કરવા માટે નોંધપાત્ર માનવ સંસાધન પૂલના નિર્માણમાં પણ યોગદાન આપશે.