UP: પોલીસ કોન્સ્ટેબલ ભરતીની પરીક્ષામાં પહેલા જ દિવસે ચોરી…!

UP Police Constable Exam: ઉત્તર પ્રદેશ પોલીસ માટે કોન્સ્ટેબલ ભરતીની પરીક્ષા શુક્રવારે રાજ્યભરના 1,174 કેન્દ્રો પર કડક સુરક્ષા વચ્ચે લેવામાં આવી રહી છે. આ દરમિયાન પોલીસ ભરતીની પરીક્ષામાં પહેલા જ દિવસે ચોરી થયાના સમાચાર સામે આવ્યા છે. આ ચોરી યુપીના રાયબરેલીમાં એક પરીક્ષા કેન્દ્રમાં થઇ હતી, જોકે પોલીસે આરોપીને પકડી લીધો છે.

રાયબરેલીમાં આચાર્ય દ્વિવેદી ઈન્ટર કોલેજનો એક ઉમેદવાર ઈલેક્ટ્રોનિક ડિવાઇસ સાથે પરીક્ષા આપતા પકડાયો છે, જે ઔરૈયા જિલ્લાનો રહેવાસી છે. પોલીસ અને પ્રશાસન આરોપીઓની પૂછપરછ કરી રહી છે. હવે આ મામલે આગળ શું થશે તે જોવું રહ્યું. કારણ કે હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે શું પકડાયેલા ઉમેદવાર પાસે પેપર પહેલાથી જ હતું કે શું ફરી પેપર લીક થયું છે. તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

નોંધનીય છે કે, યુપી પોલીસ ભરતી માટેની પરીક્ષા ફરીથી યોજાઈ રહી છે, અગાઉની પરીક્ષા પેપર લીકના કારણે યોગી સરકાર દ્વારા રદ કરવામાં આવી હતી. આ સાથે, આ પરીક્ષા ફરીથી યોજવા માટે, યુપી સરકારે કોઈપણ અન્યાયી માધ્યમનો ઉપયોગ ટાળવા માટે દરેક પરીક્ષા કેન્દ્ર પર કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. તેમ છતાં હજુ પણ ચોરી અટકાવી શક્યા નથી.

ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી અને પ્રમોશન બોર્ડ અનુસાર, રાજ્યના 67 જિલ્લાઓમાં 1,174 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી રહી છે. પરીક્ષા પાંચ દિવસ એટલે કે 23, 24, 25, 30 અને 31 ઓગસ્ટે લેવામાં આવશે. દરરોજ ઉમેદવારો બે શિફ્ટમાં પરીક્ષા આપશે. પ્રથમ શિફ્ટ સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધીની રહેશે જ્યારે બીજી શિફ્ટ બપોરે 3 વાગ્યે શરૂ થશે અને સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, દરરોજ અંદાજિત 9.5 લાખ ઉમેદવારો પરીક્ષામાં ભાગ લે તેવી અપેક્ષા છે.