December 19, 2024

Budget 2024: બજેટ તૈયાર કરવાની જાણી-અજાણી વાતો…

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે વચગાળાનું બજેટ રજૂ કરશે. નિર્મલા સીતારમણ આજે સતત છઠ્ઠું બજેટ રજૂ કરશે. આ સાથે સીતારમણ સતત પાંચ પૂર્ણ બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કરીને પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના ક્લબમાં સામેલ થશે. વર્ષ 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા મોદી સરકારનું આ છેલ્લું બજેટ હશે. જે વચગાળાનું કે મિની બજેટ હોય છે. નવી સરકારની રચના બાદ સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે સરકાર ઘણી મોટી જાહેરાતો પણ કરી શકે છે. એ પહેલા આ બજેટ તૈયાર કેવી રીતે થાય છે તેની સમગ્ર પ્રક્રિયા વિશે જાણીએ.

પ્રથમ તબક્કો
બજેટ વિભાગ તમામ કેન્દ્રીય મંત્રાલયો, રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, સ્વાયત્ત સંસ્થાઓ, વિભાગો, સશસ્ત્ર દળોને એક પરિપત્ર જારી કરે છે, જે તેમને આગામી વર્ષ માટે અંદાજો તૈયાર કરવા માટે નિર્દેશિત કરે છે. મંત્રાલયો અને વિભાગોએ તેમની માંગણીઓ રજૂ કર્યા પછી નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે તમામ કેન્દ્રીય મંત્રાલયો સાથે કરારો શરૂ કરે છે.

આ પણ વાંચો: બજેટ એટલે શું? આ શબ્દ ક્યાંથી આવ્યો? આ તમામ માહિતી એક ક્લિકમાં…

બીજો તબક્કો
આ સમય દરમિયાન આર્થિક બાબતોનો વિભાગ અને મહેસૂલ વિભાગ ખેડૂતો, વેપારીઓ, અર્થશાસ્ત્રીઓ, નાગરિક સમાજ સંગઠનો જેવા વિવિધ હિતધારકોના સંપર્કમાં આવે છે અને તેમને બજેટ અંગેના તેમના મંતવ્યો રજૂ કરવા કહે છે. આ પ્રક્રિયાને પ્રી-બજેટ ચર્ચા પણ કહેવામાં આવે છે, કારણ કે તે બજેટ તૈયાર કરતા પહેલાની પ્રક્રિયા છે. એ બાદ નાણામંત્રી ટેક્સ અંગે અંતિમ નિર્ણય લે છે. બજેટને આખરી ઓપ આપવામાં આવે તે પહેલા વડાપ્રધાન સાથે તમામ દરખાસ્તો પર પણ ચર્ચા કરવામાં આવે છે અને તેમને આગામી નિર્ણયો અંગે માહિતગાર કરવામાં આવે છે.

ત્રીજું અને અંતિમ પગલું
અંતિમ પગલા તરીકે નાણા મંત્રાલય બજેટ નક્કી કરવામાં સામેલ તમામ વિભાગો પાસેથી આવક અને ખર્ચની રસીદો એકત્રિત કરે છે. જેના દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા પરથી આગામી વર્ષ માટે અંદાજિત કમાણી અને ખર્ચનો પ્લાન તૈયાર કરવામાં આવે છે. આ સિવાય સરકાર બજેટને અંતિમ સ્વરૂપ આપવા માટે ફરી એકવાર રાજ્યો, બેંકર્સ, કૃષિ ક્ષેત્રના લોકો, અર્થશાસ્ત્રીઓ અને વેપાર સંગઠનો સાથે બેઠક કરશે. જેમાં હિતધારકોને કર મુક્તિ અને નાણાકીય સહાય આપવા જેવી બાબતોની ચર્ચા કરવામાં આવે છે. છેલ્લે નાણા મંત્રાલય સંશોધિત બજેટ અંદાજના આધારે બજેટ ભાષણ તૈયાર કરે છે.