December 25, 2024

વાપીમાં કોંગ્રેસ-AAPનું અનોખુ વિરોધ પ્રદર્શન, બિસ્માર રસ્તાઓની કરી પૂજા

હેરાતસિંહ, વલસાડ: વલસાડ જિલ્લાના વાપી શહેરમાં ખરાબ રસ્તાને લઈ આજ રોજ INDI ગઠબંધન દ્વારા વાપી નગરપાલિકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વાપી શહેર કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા વાપી નગરપાલિકામાં શહેરમાં ખરાબ થયેલા રસ્તાને લઈ વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું અને શહેરમાં થયેલા ખરાબ રસ્તાઓ પર ખાડાની પૂજા કરી વહીવટી તંત્ર અને ભાજપ સરકાર વિરુદ્ધ સુત્રોચાર કરવામાં આવ્યા હતા.

વાપી શહેરમાં પડેલા ખાડાના કારણે વાહનચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જેમાં ગુંજન ચાર રસ્તાથી વાપી ટાઉનમાં આવવા માટે ખરાબ રસ્તાઓને કારણે ભયંકર ટ્રાફિક જામ સર્જાય છે જેને કારણે ઘણો લાંબો સમય લાગી જતો હોય છે. જેને લઈ આજરોજ ખરાબ રસ્તા વહેલી તકે સમારકામ કરવામાં આવે એવી રજુઆત ઇન્ડિયા ગઠબંધન દ્વારા કરવામાં આવી હતી.

વાપી નગર પાલિકા વિરોધ પક્ષના નેતાએ જણાવ્યું હતું કે 10 દિવસમાં ખરાબ રસ્તાઓનું સમારકામ ન કરવામાં આવ્યું તો જલદ કાર્યક્રમ કરી વિરોધ દર્શાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.