‘હું મારો ચહેરો છુપાવવાની કોશિશ કરું છું’, જાણો નીતિન ગડકરીએ કેમ આવું કહ્યું?
Road Accidents in India: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, ભારતમાં માર્ગ અકસ્માતમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં સુધારો કરવા માટે માનવ વર્તનમાં પરિવર્તન લાવવું પડશે. તેમણે એમ પણ કહ્યું કે જ્યારે તેમણે પ્રથમ વખત રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે તેમણે અકસ્માતોને 50 ટકા ઘટાડવાનું લક્ષ્ય રાખ્યું હતું. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, નીતિન ગડકરીએ કહ્યું, ‘અકસ્માતની સંખ્યામાં ઘટાડા વિશે ભૂલી જાઓ, વધારો થયો છે તે સ્વીકારવામાં મને કોઈ સંકોચ નથી.’
નીતિન ગડકરીએ કહ્યું- હું મારો ચહેરો છુપાવવાની કોશિશ કરું છું
તેણે કહ્યું કે જ્યારે પણ હું આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ભાગ લેવા જાઉં છું જ્યાં માર્ગ અકસ્માતની ચર્ચા થાય છે ત્યારે હું મારો ચહેરો છુપાવવાનો પ્રયત્ન કરું છું. પ્રશ્નકાળ દરમિયાન એક પૂરક પ્રશ્નના જવાબમાં નીતિન ગડકરીએ કહ્યું કે ભારતમાં વસ્તુઓને વધુ સારી બનાવવા માટે, માનવ વર્તન બદલવું પડશે, સમાજ બદલવો પડશે અને કાયદાના શાસનનું સન્માન કરવું પડશે. નીતિન ગડકરીએ કહ્યું કે દેશમાં દર વર્ષે 1.78 લાખ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે અને તેમાંથી 60 ટકા પીડિતો 18-34 વર્ષની વય જૂથના હોય છે.
માર્ગ અકસ્માતોની બાબતમાં કયું રાજ્ય ટોચ પર છે?
તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં 23,000 થી વધુ લોકો (સડક અકસ્માતને કારણે કુલ મૃત્યુના 13.7%) મૃત્યુ પામ્યા છે. આ પછી તમિલનાડુમાં 18,000 (10.6%)થી વધુ મૃત્યુ થયાં હતાં. મહારાષ્ટ્રમાં આ આંકડો 15,000 (કુલ મૃત્યુના 9%)થી વધુ છે, ત્યારબાદ મધ્ય પ્રદેશ 13,000 (8%)થી વધુ છે. તેમણે કહ્યું કે શહેરોમાં, દિલ્હી વાર્ષિક 1,400થી વધુ મૃત્યુ સાથે યાદીમાં ટોચ પર છે, ત્યારબાદ બેંગલુરુ 915 મૃત્યુ સાથે છે. ગડકરીએ એમ પણ કહ્યું હતું કે રસ્તા પર પાર્ક કરેલી ટ્રકો અકસ્માતોનું મુખ્ય કારણ છે અને ઘણી ટ્રકો લેન શિસ્તનું પાલન કરતી નથી.