January 15, 2025

PM મોદી આજે આર્થિક સુધારાઓ પર કરશે ચર્ચા, વિકસિત ભારતના રોડમેપ પર નજર

Union Budget: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે દેશના સિનિયર અર્થશાસ્ત્રીઓ અને જુદા જુદા ક્ષેત્રોના નિષ્ણાતો સાથે બેઠક કરીને સામાન્ય બજેટને લઈને ચર્ચા કરીને તેમના મંતવ્યો જાણશે. આ બેઠક દરમિયાન મુખ્યત્વે સામાન્ય બજેટની જોગવાઇઓ દ્વારા વિકસિત ભારતનો રોડમેપતૈયાર કરવા, રોકાણ મેળવવા માટે આર્થિક સુધારાઓ ઝડપી બનાવવા અને મધ્યમ અને નિમ્ન મધ્યમ વર્ગને રાહત આપવા માટેના ઉપાયો અંગે ચર્ચા કરવામાં આવશે.

સિનિયર અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બેઠકમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી અને અન્ય સભ્યો, નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઇના રોજ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું સામાન્ય બજેટ રજૂ કરશે. આ વખતે સામાન્ય બજેટમાં ઉદ્યોગોની સાથે મધ્ય અને નિમ્ન મધ્યમ વર્ગને મોટી રાહત મળવાની સંભાવનાઓ વ્યકત કરવામાં આવી રહી છે.

રોકાણ વધારવા માટે આર્થિક સુધારા
વાસ્તવમાં, સરકારની યોજના વધુમાં વધુ રોકાણ મેળવવા માટે આર્થિક સુધારાની ગતિને ઝડપી બનાવવાની છે. ગત સત્રમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બંને ગૃહોને સંબોધિત કરતા કહ્યું હતું કે સરકાર ત્રીજા કાર્યકાળમાં સુધારાને ઝડપી બનાવશે. સરકારની રણનીતિ વધુમાં વધુ રોકાણ મેળવીને વિકાસ દર વધારવાનો અને રોજગારીની તકો ઊભી કરવાની છે. બેઠકમાં પીએમ નિષ્ણાતો પાસેથી જાણવા માંગશે કે કયા ક્ષેત્રમાં કયા સ્તરે સુધારાની જરૂર છે.

વિકસિત ભારતના રોડ મેપ પર સૂચનો
મોદી સરકારે 2047 સુધીના ભારતને વિકસિત બનાવવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. સામાન્ય બજેટના માધ્યમથી સરકારની ઈચ્છા વિકસિત ભારતનો રોડ મેપ તૈયાર કરવાની છે. તેના માટે ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાં વિશેષ પ્રયાસો કરવાની જરૂર છે. બેઠકમાં પીએમ મોદી વિકસિત ભારતના રોડમેપ પર નિષ્ણાતો પાસેથી સૂચનો જાણશે.