January 27, 2025

Unaમાં દુલ્હનને દાંતમાં દુખ્યું અને યુવક થઇ ગયો પાયમાલ, જાણો શું છે મામલો

ઉના: ઉના તાલુકાની એક ઘટનાથી ભડિયાર ગામમાં ચકચાર મચી જવા પામી છે. ઉના તાલુકાના ભડિયાદર ગામનો યુવક લૂટેરી દુલ્હનનો ભોગ બન્યો છે. ઉના તાલુકામાં લગ્ન થતાં ન હતા, જેથી યુવકે એજન્ટ મારફત લગ્ન કરી છેતરાઇ ગયો છે. 1.75 લાખ રૂપિયા ખર્ચીને સુરતથી લાવેલી દુલ્હન 6 દિવસ રહીને 3 તોલા સોનાના ઘરેણા સાથે પલાયન થઈ છે.

મળતી માહિતી અનુસાર ભડિયાદર ગામના રામભાઇ માળવી નામના યુવકની વધુ ઉંમર થઈ જતા લગ્ન થતા ન હતા. રામભાઇ મુંબઈ કરિયાણાની દુકાનમાં નોકરી કરે છે. જેથી યુવકના મોટા કાનભાઈ માળવીને ભડીયાદર ગામના જ રમેશ ટાંક નામના યુવકે સુરત એક યુવતી હોવાનુ કહી એક એજન્ટનો સંપર્ક કરાવ્યો હતો. સુરત એજન્ટ સાથે રામભાઇના મોટાભાઈ કાનાભાઈ માળવીએ ફોન ઉપર યુવતી વિગત અને ફોટા મંગાવ્યા અને જોઇને યુવક યુવતીએ લગ્ન માટે સુરત મળવાનું નક્કી કર્યું હતું. જ્યાં રામભાઇ મુંબઈ, સુરત આવેલા અને ભડિયાદરથી અન્ય પરિવારના સભ્યો ગયા હતા. જ્યાં યુવતીને પૈસા આપવા પડશે અને સોના ચાંદીના દાગીના ચઢાવવા પડશે તેવું જણાવ્યું હતું. બંને પક્ષોની મંજૂરીથી યુવક રામભાઇ અને દુલ્હન સીમાના હાર તોરા કરીને 1.75 લાખ આપીને લગ્નના કાગળો કર્યા હતા. લગ્ન બાદ સુરતથી ઉના તાલુકાના ભડિયાદર ગામે આવ્યા હતા.

લૂંટ કરવાના ઇરાદાથી આવેલ દુલ્હન સીમા દ્વારા પોતાની માતા બીમાર હોવાનો અને સુરત જવાનું રટણ ચાલુ કર્યુ હતું અને 6 દિવસ બાદ દુલ્હન સીમાએ દાંતમાં દુઃખાવો થતો હોવાનું પતિ રામભાઈ માળવીને બહાનું કર્યું હતુ. જેથી દુલ્હન સીમાને રામભાઈની બહેનની દીકરી બેનાબેન સાથે ઉના દવાખાને સારવાર અર્થે લઇ ગયા હતા. જ્યાં દુલ્હન સીમા શૌચાલયનું બહાનું બતાવીને નાસી ગઈ હતી. દુલ્હનને પતિ રામભાઇના પરિવાર દ્વારા મંગળસૂત્ર અને અન્ય સોનાની ચેઇન, સોનાનો દાણો, સોનાની વીંટી અને ચાંદીની જાંજરી સહિતના 3 તોલાથી વધુના સોનાના અને ચાંદીના દાગીના સાથે લઈને ફરાર થઈ ગઈ.

આ અંગે ભોગ બનનાર યુવકના મોટા ભાઈએ સુરતના દલાલ સંજય ભાઈને ફોન કર્યો હતો. જ્યારે એજન્ટે તેમને ધમકી આપી હતી કે જ્યાં ફરિયાદ કરવી હોય અને દોડવું હોય ત્યાં દોડી લે જે મારો કોઈ વાળ વાંકો નહીં કરી શકે એવું કહ્યું હતું.

આ અંગે મહિલાની પરિવારે શોધખોળ કરતા મળી ન આવતા ઉના પોલીસ મથકે રજૂઆત કરી છે. હાલ ઉના પોલીસ આ અંગે તપાસ હાથ ધરી છે. અન્ય બીજા કોઈ યુવક છેતરાય એ પહેલાં આવા લૂંટારુ ગેંગને પકડી પાડવા આવે જેથી અન્ય કોઈ પરિવાર છેતરપિંડી નો ભોગ બનતા અટકે..