December 17, 2024

ઉના તાલુકા પંચાયત પ્રમુખનું ગામ પાણીની સમસ્યાથી ત્રસ્ત

ધર્મેશ જેઠવા, ઉના: ઉના તાલુકા પંથકમાં પાણી પુરવઠા ની અનેક યોજનાઓ હોવા છતાં નાથળ ગામના લોકો પીવાના પાણીની સમસ્યાથી પરેશાન છે નાથળ ગામના તળાવ પાસે વસવાટ કરતા મહિલાઓને અને બાળકોને પાણી ભરવા માટે દૂર સુધી જવું પડે છે. આ નાથળ ગામની કુલ વસ્તી 7000 જેટલી છે અને તમામ લોકો ખેતી અને મજૂરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે ગામમાં કુલ 17 જેટલા ઝોન આવેલ છે અને બે જેટલા પાણીના સંપ છે.

નાથળ ગામમાં વાસ્મો યોજના હેઠળ કેસરિયા જૂથ માંથી 2 થી 3 દિવસે પાણી આવતું હોય તેમજ સંપની બાજુના કૂવા માંથી મોટર વડે પાણીનો ટાંકો ભરી ગામમાં વિતરણ કરવામાં આવે છે પરંતુ આ તળાવ કાંઠાનો જે વિસ્તાર છે તે વિસ્તારમાં 10 થી 12 દિવસે પાણી આવે છે અહીંયા વસવાટ કરતા મહિલાઓ અને બાળકોને દૂર સુધી ચાલીને ખાનગી બોર માંથી પાણી ભરવા જવું પડે છે. જે બાબતે આ મહિલાઓએ નાથળ સરપંચ અને નાથળ ગામના જ ઉના તાલુકા પંચાયત પ્રમુખને પાણી બાબતે અનેક વખત રજુઆત કરવા છતાં પણ પેટનું પાણી હલતું નથી

આ અંગે ગ્રામ પંચાયતના મહિલા સરપંચ પ્રતિનિધિને પૂછવામાં આવતા જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત ના કુવામાં પાણીના તળ ઊંડા જતા રહ્યા છે અને નર્મદાના પાણી પણ 3 થી 4 દિવસે આવે છે ત્યારે રાજ્ય સરકાર ગ્રામજનોને પીવાના પાણીની સમસ્યાથી છુટકારો મળે એ માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે પરંતુ આ નાથળ ગામના તળાવ કાંઠા વિસ્તારના લોકોની મુશ્કેલીનો અંત ક્યારે આવશે તે જોવું રહ્યું.