January 16, 2025

ઉનામાં 15 હજારની વસતિ છતાં કોબ ગામમાં હાઇસ્કૂલ નહીં, વિદ્યાર્થીઓ અભ્યાસ છોડવા મજબૂર

ઉના, ધર્મેશ જેઠવાઃ ઉના તાલુકાના 15,000 હજારની વસતિ ધરાવતા દરીયાકાંઠાના છેવાડાના કોબ ગામને હાઈસ્કૂલથી વંચિત છે. લોક માગ છતાં હાઇસ્કૂલ નથી. ગરીબ વિદ્યાર્થીને સગવડ ન મળતા અભ્યાસ અધવચ્ચે જ છોડી દે છે.

ઉના તાલુકાના છેવાડાનું 15,000 હજારની વસતિ ધરાવતા કોબ ગામે પ્રાથમિક શિક્ષણ મળી રહે એ માટે પ્રાથમિક શાળા તો છે, પણ આ પ્રાથમિક શાળામાં ઓરડાઓની ઘટ છે અને શિક્ષકોની પણ ઘટ છે. અહીં પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8મા 660થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં 18 શિક્ષકોનું મહેકમ છે, જેની સામે 11 કાયમી શિક્ષકો અને 3 જ્ઞાન સહાયક શિક્ષકો હાલ ફરજ બજાવે છે. પ્રાથમિક શાળામાં 7 શિક્ષકોની ઘટ તો છે. આ સાથે ઓરડાઓની ઘટ હોવાના લીધે સવાર અને બપોર પાળીમાં શિક્ષણ કાર્ય ચલાવવા મજબૂર બન્યા છે. અહીંના બે ઓરડાઓ જર્જરિત હાલતમાં છે, જેને દૂર કરવાનો ઓર્ડર મળતો ના હોવાથી નવા વર્ગેખંડ માટે જગ્યા થતી નથી.

અહીંની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન માટે એક નાનો શેડ છે. જેની ઉપરના પતરા તૂટી ગયા છે અને આમ અન્ય કોઈ શેડની વ્યવસ્થા ના હોવાથી બાળકો શાળાની અંદર અને શાળાના મેદાનમાં તડકે મઘ્યાહન ભોજન કરવા બેસે છે. અહીં પીવાના પાણીની પણ અછત છે. અહીં શાળામાં નળમાં પાણી આવતું નથી તેમજ બોરમાં પણ મીઠું પાણી નથી. જેથી શાળાને પીવાના પાણીના ટેન્કર મંગાવવાની ફરજ પડે છે.

કોબ ગામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટ હોવા છતાં અને 15,000 હજારની વસતિ ધરાવતું ગામ હોવા છતાં અહીં માધ્યમિક શાળાની સગવડતા નથી. જેથી 8 ધોરણ બાદ અહીંના વિદ્યાર્થીઓને ડોળાસા, તડ કે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં આગળના અભ્યાસ માટે જવું પડે છે. ગરીબ મજૂર વર્ગના બાળકોને અન્ય ગામમાં અભ્યાસ માટે જવું પરવડે તેમ ન હોય જેથી અભ્યાસ છોડવાની ફરજ પડે છે. બાજુમાં ચીખલી ગામ નાનું હોવા છતાં અહીં હાઇસ્કૂલની સગવડતા આપવામાં આવી છે. ગ્રામજનો દ્વારા હાઇસ્કૂલ અંગે અનેકવાર માંગ કરવામાં આવી હતી, છતાં અહીં હાઇસ્કૂલ નથી ફાળવવામાં આવી. લોકો દ્વારા ગામમાં હાઇસ્કૂલ બનાવવામાં આવે તેવી માગ કરી છે.