July 7, 2024

UK Election: સામાન્ય ચૂંટણીમાં ઋષિ સુનકની અગ્નિપરીક્ષા, કોણ આપશે ટક્કર?

UK Election: બ્રિટનમાં આજથી સામાન્ય ચૂંટણીઓ શરૂ થઈ રહી છે. અહી 4 જુલાઇના રોજ સ્થાનિક સમય અનુસાર 7 વાગે ( સ્થાનિક સમય મુજબ, 11.30 કલાકે) ચૂંટણી શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીમાં પ્રધાનમંત્રી ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટી અને વિપક્ષી લેબર પાર્ટી વચ્ચે ટક્કર થવાની છે. ચૂંટણી પહેલા થયેલ સર્વેમાં લેબર પાર્ટીને બહુમત મળતું જણાઈ રહ્યું છે. બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં અનેક મોટા ચહેરાઓ પર સમગ્ર વિશ્વની નજર રહેલી છે. તો, બ્રિટનની સામાન્ય ચૂંટણી કેવી રીતે થાય છે તે સમજવું પણ રસપ્રદ છે.

UKમાં કેવી રીતે થાય છે સામાન્ય ચૂંટણી?
ભારતમાં સંસદીય લોકશાહીની સરકારનો વિચાર UKના બંધારણમાંથી લેવામાં આવ્યો છે. એવામાં ભારત અને બ્રિટનની ચૂંટણીઓમાં ઘણી સમાનતા જોવા મળે છે. આ સામાન્ય ચૂંટણીમાં UKના દરેક વિસ્તારોમાં એક સાથે 18 વર્ષ કે તેથી વધુની ઉંમરના લોકો પોતાના સાંસદોની ચૂંટણી કરવા માટે મતદાન અકરે છે. આ મતદાન કુલ 650 સંસદીય બેઠકો પર થાય છે. ચૂંટાયેલ વ્યક્તિ બ્રિટિશ સાંસદના નીચલા ગૃહ એટલે કે હાઉસ ઓફ કૉમન્સમાં 5 વર્ષ સુધી ચૂંટાયેલ સંસદીય વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રત્યેક સંસદીય વિસ્તારમાં અનેક ઉમેદવારો ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવે છે. ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ સિસ્ટમ હેઠળ સૌથી વધુ મત મેળવનાર ઉમેદવાર સાંસદ બને છે.

આ ચૂંટણીમાં કોની-કોની ટક્કર?
UKની આ ચૂંટણી માટે કુલ 392 પક્ષો નોંધાયેલા છે. જો કે, મુખ્ય હરીફાઈ ઋષિ સુનકના કન્ઝર્વેટિવ્સ અને મુખ્ય વિપક્ષી નેતા કીર સ્ટાર્મરની લેબર પાર્ટી વચ્ચે છે. ચૂંટણી પહેલા હાથ ધરાયેલ સર્વેમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે લેબર પાર્ટી સંસદમાં પ્રચંડ બહુમતી સાથે જીત મેળવશે. જો સર્વેના અનુમાન સાચા સાબિત થાય છે, તો કન્ઝર્વેટિવ પ્રધાનમંત્રી ઋષિ સુનકનો 18 મહિનાનો કાર્યકાળ પૂર્ણ થશે અને બ્રિટનના લોકો શુક્રવારની સવારે 14 વર્ષમાં પહેલીવાર દેશનું સુકાન સંભાળનાર નવી પાર્ટી જોશે. મહત્વનું છે કે બ્રિટનમાં છેલ્લા 14 વર્ષથી કન્ઝર્વેટિવ પાર્ટીનું શાસન છે. જોકે, આ વર્ષ રાજકીય અને આર્થિક દ્રષ્ટિએ ઉથલપાથલ ભર્યું રહ્યું અને છેલ્લા 8 વર્ષમાં 5 કન્ઝર્વેટિવ પ્રધાનમંત્રીઓએ બ્રિટનની સત્તા સંભાળી.