January 8, 2025

VIDEO: દરિયામાં જઈ થાર કાર સાથે સ્ટંટ કરનારા નબીરાઓની હાલત થઇ ગઈ ખરાબ

નીતિન ગરવા, કચ્છ: મોટી ગાડીઓ લઈને ઘરની બહાર નિકળતા લબરમૂછિયાઓથી લઈ માલેતુજારના છોકરાઓ રસ્તા પર સ્ટંટ કરતા લોકોના જીવન સાથે ચેડા કરતા રહે છે. ભૂતકાળમાં પણ એવી ઘટનાઓ બની છે જેમાં માલેતુજારના રખડેલ દીકરાઓએ સ્ટંટ કર્યા હોય અથવા પોતાની મોંઘી ગાડીને એ હદની સ્પીડમાં હાંકી હોય કે જેના કારણે લોકોના જીવ ગયા હોય. પરંતુ આજે મુન્દ્રાના ભદ્રેશ્વર નજીકના રંધ બંદર ખાતે એક એવી ઘટના ઘટી છે જેમાં સ્ટંટ કરનારા જ ભરાઈ ગયા હતા. અહીં બે થાર કારચાલક સ્ટંટ કરવો ભારે પડી ગયો હતો.

ખરેખરમાં મુન્દ્રાના ભદ્રેશ્વર નજીકના રંધ બંદર પર સ્ટંટ કરવો યુવકોને ભારે પડી ગયો હતો. જ્યાં સ્ટંટ કરવા જતાં બે થાર કાર દરિયામાં ફસાઈ ગઇ હતી. જોકે દરિયામાં થાર ફસાઈ જતાં સ્થાનિકોએ ટ્રેકટર વડે બહાર કાઢી હતી. હાલમાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જોકે આ ઘટના બાદ એક કારનું એન્જિન ફેઇલ થઈ ગયું હોવાની જાણાકારી સામે આવી છે. હાલમાં બન્ને કાર ચાલકો વિરૂદ્ધ ગુનો નોંધી કાર ડીટેઇન કરાઈ હોવાની માહિતી સામે આવીછે.

આ પણ વાંચો: લૂંટેરી દુલ્હન નીકળી HIV પોઝિટિવ, મહિલા સાથે લગ્ન કરનારા 5 વરરાજા ટેન્શનમાં

પ્રાપ્ત માહિતી અનુસાર, મુન્દ્રાના ભદ્રેશ્વર નજીકના રંધ બંદર ખાતે બે યુવકો પોતાની થાર કાર લઈને સ્ટંટ કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં તેઓ સામસામે કાર હંકારી રહ્યા હતા. પરંતુ આ દરમિયાન થાર કાર પાણીમાં ફસાઈ ગઈ હતી અને દરિયામાં ફસાઈ ગઈ હતી. આ દરમિયાન બંને યુવકોએ પોતાની ગાડીને દરીયાના ઉછળતા મોજામાંથી બહાર નિકાળવાના ઘણા પ્રયાસ કર્યા હતા પરંતુ તેઓ તેને બહાર નીકાળી શક્યા નહોતા, જે બાદ સ્થાનિક લોકોએ તેમની મદદે આવ્યા હતા અને ટ્રેક્ટરની મદદથી બંને થાર ગાડીને દરીયામાંથી બહાર કાઢવામાં આવી હતી.

આ ઘટના બાદ બેમાંથી એક થાર કારનું એન્જિન ફેઈલ થઈ ગયું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને બંને થાર કારને ડિટેઈન કરી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.