સાબરકાંઠાના ઇડરમાં એક જ મહિનામાં બે દીપડાના મોત, ફાંસલામાં ફસાતા મોત
ચિરાગ મેઘા સાબરકાંઠા: એક તરફ વન્યજીવોને બચાવવા માટે ગુજરાત સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયા ખર્ચાય છે તો બીજી તરફ સાબરકાંઠાના ઈડર વિસ્તારમાં એક જ મહિનામાં બે દીપડાના મોત થયા છે. ત્યારે સરકારી તંત્ર દ્વારા દીપડાના મોત પાછળ શિકારીઓ જવાબદાર હોવાનું જણાવ્યું છે. જોકે એક જ મહિનામાં ઈડર વિસ્તારમાં શિકારીઓથી દીપડાના મોત થયાનું વન્ય અધિકારીએ જણાવતા વન્ય પ્રેમીઓમાં ભારે હડકંપ સર્જાયો છે.
ગુજરાત સહિત કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે લાખો કરોડો રૂપિયા વન્યજીવોને બચાવવા માટે વાપરવામાં આવે છે. સમગ્ર વન વિભાગ દ્વારા છેવાડાના વિસ્તારોમાં વસવાટ કરતા વન્યજીવો માટે અધિકારીઓની ચેનલ સિસ્ટમ પણ ગોઠવાઈ છે. જેમાં બીટગાડથી લઈ ફોરેસ્ટ ઓફિસર અને રેન્જ ઓફિસરો આવે છે. જોકે હાલના તબક્કે તમામ અધિકારીઓ જાણે કે જંગલ અને વન્યજીવોની સુરક્ષા કરવામાં ઊણા ઊતર્યા હોય તેવી ઘટના સાબરકાંઠાના ઈડર વિસ્તારમાં સર્જાય છે. એક જ મહિનામાં ઈડરના પાનોલ તેમજ ઈશ્વરપુરા વિસ્તારમાં દીપડાના મોત થતા ભારે હડકમ સર્જાયો છે. જોકે આ મામલે સ્થાનિક પશુ પ્રેમીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
સાબરકાંઠાના ઈશ્વરપુરામાં ગતરોજ શિકારીઓ દ્વારા ગાડીઓ બનાવી દીપડાનો શિકાર થયા હોવાની વાત સામે આવી છે. વન્ય અધિકારીએ જણાવ્યું હતું કે, પાનોલ તેમજ ઈશ્વરપુરામાં દીપડાના મોત માટે લોખંડનો ફાંસલો જવાબદાર છે. જેના પગલે ઈડર તાલુકાના વિવિધ ગામડાઓમાં પહાડી વિસ્તારો સહિત ખુલ્લા ગૌચરમાં ફરતા રહેલા વિવિધ પ્રાણીઓના શિકારીઓ આજે પણ એટલા જ યથાવત હોવાનું માની શકાય તેમ છે. એક તરફ કોઈપણ વ્યક્તિ માટે દીપડાનો નામ ભય ઉપજાવે તેવું છે ત્યારે એક જ મહિનામાં બે દીપડાના મોત થતા વન્ય પ્રેમીઓ પણ ભારે નારાજ છે.
સાબરકાંઠા જિલ્લામાં તપાસ અર્થે આવેલા વન્ય અધિકારીએ જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લામાં દીપડાને બેભાન કરવા માટેની ટ્રાન્વીલાઈઝર નામનું ઇન્જેક્શન ન હોવાના પગલે ફાંસલામાં ફસાયેલો દીપડો મોતને ભેટ્યો છે. જોકે અધિકારીઓ માટે આ સામાન્ય બાબત હોય તેમ દીપડાના મોત બાદ ઉંડાણપૂર્વકની તપાસ કરવાની મસમોટી વાતો કરાઈ રહી છે.
2025ના જાન્યુઆરીના પ્રારંભથી અંત સુધીમાં અલબ્ય ગણાતા દીપડાના સાબરકાંઠા જિલ્લામાં બે મોત થયાં છે. ત્યારે આગામી સમયમાં હોતી હૈ ચલતી હૈ ની નીતિ વન વિભાગના અધિકારીઓ ખંખેરશે તો આવનારા સમયમાં કેટલાય વન્યજીવોને બચાવી શકાશે નહી તે નક્કી છે. જોકે આ સમગ્ર મામલે સાબરકાંઠા જિલ્લા સ્થાનિક વહીવટી તંત્ર સહિત ગુજરાત કક્ષાએ કેવા અને કેટલા પગલાં લેવાય છે તે પણ મહત્વનું બની રહે છે.