January 27, 2025

મેચ ફિક્સિંગમાં ફસાયા ભારતીય, પાસપોર્ટ જપ્ત કરવાનો આદેશ

નવી દિલ્હી: શ્રીલંકાની એક કોર્ટે ગેરકાયદે લિજેન્ડ્સ ક્રિકેટ લીગ દરમિયાન મેચ ફિક્સિંગના આરોપમાં ભારતીય નાગરિક યોની પટેલ અને પી આકાશના પાસપોર્ટ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. બંને હાલ જામીન પર છે. તેમના પર 8 થી 19 માર્ચ દરમિયાન કેન્ડીના પલ્લેકેલે સ્ટેડિયમમાં રમાયેલી લીગમાં મેચ ફિક્સ કરવાનો આરોપ છે. રાજસ્થાન કિંગ્સે ફાઈનલમાં ન્યૂયોર્ક સુપર સ્ટ્રાઈકર્સને હરાવ્યું હતું.

પટેલ કેન્ડી સ્વેમ્પ આર્મી ટીમના માલિક છે. શ્રીલંકાના ભૂતપૂર્વ ODI કેપ્ટન અને રાષ્ટ્રીય પસંદગી સમિતિના વર્તમાન અધ્યક્ષ ઉપુલ થરંગા અને ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર નીલ બ્રુમે શ્રીલંકાના રમત મંત્રાલયના વિશેષ તપાસ એકમને જણાવ્યું હતું કે લીગમાં ખરાબ પ્રદર્શનને કારણે બંનેએ મેચ ફિક્સ કરવા માટે તેમનો સંપર્ક કર્યો હતો. જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી પટેલ અને આકાશ શ્રીલંકા છોડી શકે નહીં. આ લીગને શ્રીલંકા ક્રિકેટ તરફથી ICC માન્યતા મળી નથી.

ઉપુલ થરંગા અને નીલ બ્રુમે ફરિયાદ કરી હતી
શ્રીલંકાના ભૂતપૂર્વ ODI કેપ્ટન અને વર્તમાન મુખ્ય પસંદગીકાર ઉપુલ થરંગા અને પૂર્વ ન્યૂઝીલેન્ડના ખેલાડી નીલ બ્રુમે રમત મંત્રાલયના સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન યુનિટને ફરિયાદ કરી હતી કે લીગમાં ખરાબ પ્રદર્શન કર્યા બાદ તેઓનો પટેલ અને આકાશ દ્વારા મેચ ફિક્સિંગ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. આ કેસની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશ પર પટેલ અને આકાશને દેશ છોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

શ્રીલંકાએ દક્ષિણ એશિયાનો પહેલો દેશ હતો જેણે 2019માં ભ્રષ્ટાચાર અને મેચ ફિક્સિંગ વિરુદ્ધ કાયદો ઘડ્યો હતો અને તેને ગુનો જાહેર કર્યો હતો. આ કાયદા હેઠળ કોઈ પણ ખેલાડી કે વ્યક્તિ દોષિત ઠરે તો તેને 10 વર્ષ સુધીની જેલ થઈ શકે છે અને દંડ પણ થઈ શકે છે. આ કાયદો ભ્રષ્ટ પ્રવૃત્તિઓની જાણ ન કરનારા ખેલાડીઓને સજા કરવાની જોગવાઈ પણ કરે છે.