June 28, 2024

બોટાદના બે મિત્રોએ ટેક્નોલોજીને ખેતી સાથે જોડી કાશ્મીરી કેસરની ખેતી કરી

બોટાદ: માણસ ધારે તો શું ન કરી શકે? એમાં પણ જો આજનો યુવાન કોઈ કામ કરવા માટે પોતાનું મન મક્કમ કરી લે છે તો તે દિશામાં ચોક્કસથી આગળ વધે છે. ગુજરાતના યુવાનો હવે ટેક્નોલોજીથી લઇ અન્ય ઘણા વ્યવસાયોમાં હાથ અજમાવી રહ્યા છે ત્યારે હવે રાજ્યના યુવાનો ખેતીમાં પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. બોટાદના હામાપર ગામના બે યુવાએ પણ મજબૂત મનોબળ અને ટેક્નોલોજીની મદદથી કાશ્મીર જેવા ઠંડા પ્રદેશમાં થતી કેસરની ખેતી કરી દેખાડી છે. હાલમાં તેમના આ કેસરની કિંમત લાખોમાં પહોંચી ગઇ છે.

ઉચ્ચ અભ્યાસ બાદ બંનેને મિત્રોએ નોકરી કરવનાને બદલે પોતાના પારિવારીક કામ ખેતીમાં રૂચી દાખવી એક નવતર પ્રયોગ કર્યો હતો. બોટાદના હામાપર ગામના બે યુવા ખેડૂત આશિષ બાવળીયા અને સુભાષ કાનેટીયાએ કાશ્મીરમાં ઉગતા કેસરની પોતાના ગામમાં ખેતી કરી છે. બી ટેક સુધીનો અભ્યાસ કરી આ બન્ને યુવા ખેડૂતોએ ટેક્નોલોજીને ખેતી સાથે જોડી એક નવતર પ્રયોગ કર્યો હતો. બજારમાં ખુબ ઉંચા ભાવે વેચાતા કાશ્મીરી કેસરની ખેતી આ બન્ને ખેડૂત મિત્રોની મહેનત થકી હવે ગુજરાતમાં પણ શરૂ કરાઈ છે.

આ બન્ને મિત્રોએ કેસરની ખેતી માટે સતત રિસર્ચ કરી જમ્મુ કાશ્મીરમાંથી કેસરના બલ્ક મંગાવ્યા હતા. કેસર ઠંડા પ્રદેશમાં થતું હોવાથી વાડીમાં કેસર માટે એક ખાસ પ્રકારનો કોલ્ડ સ્ટોરેજ તૈયાર કરાયો હતો. કોલ્ડ સ્ટોરેજમાં સાગનું લાકડું, એર કન્ડિશન સહિતના મશીન લગાવવામાં આવ્યા હતા. સાથે જ પાકને ભેજ આપવા માટે પણ ખાસ મશિન ઉપયોગમાં લેવાયું હતું. વાતાવરણ પાકને અનુકૂળ રહે તે માટે અહીં સતત વિજળીની જરૂર હોવાથી જનરેટર પણ મૂક્યું હતું. કેસરની ખેતી માટે કરાયેલો લાખોનો ખર્ચ અને મહેનત રંગ લાવી રહી છે.

હાલ તો આ ખેડૂત મિત્રોને કેસરનો એકથી દોઢ કિલો કેસરનો પાક મળશે. ત્યાર બાદ સમયાંતરે બે વખત પાક લઈ વાર્ષિક 4 કિલો પાક મેળવી શક્શે. હાલમાં એક કિલો કેસરનો ભાવ 7 થી 8 લાખ રૂપિયા હોવાથી નવા સાહસથી બન્ને ખેડૂત મિત્રોને સારી આવક મળી રહી છે.