December 22, 2024

રખડતાં ઢોરોના ત્રાસને નાથવા જામનગર મનપાનો તઘલખી નિર્ણય, 11 લોકોની નિમણૂંક કરી, પણ…

સંજય વાઘેલા, જામનગર: શહેરી વિસ્તારમાં લોકોની સુખાકારી વધે તેની જવાબદારી મહાનગરપાલિકાની હોય છે. પરંતુ જામનગર મહાનગરપાલિકા દ્વારા લોકોની દુવીધામા વધારો થાય તેવી કામગીરી કરવામાં આવતી હોવાના ન્યુઝ કેપિટલના સ્પેશિયલ રિપોર્ટમાં બહાર આવ્યું છે, જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરનો ત્રાસ તો હતો જ પરંતુ હા ત્રાસમાં વધારો થાય તે માટે જામનગર મહાનગરપાલિકાએ પગલું ભર્યું છે.

જામનગર મહાનગરપાલિકાએ શહેરમાં 10 થી 11 લોકોની નિમણુંક કરી છે. આ લોકો શહેરના મુખ્ય વિસ્તારોમાં ઊભા રહે છે અને રખડતા ઢોરને દૂર કરવાની કામગીરી કરે છે. આ લોકોનું કામ એટલું જ કે મુખ્ય માર્ગો પર રખડતા ઢોર આવે એટલે તેને હંકારીને શેરી-ગલીઓમાં તગેડી મુકવા, વિશ્વમાં ક્યાય આવી વ્યવસ્થા નહિ હોઈ, તેવું શરમજનક કામ જામનગર મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે. રખડતા ઢોરને કારણે સર્જાયેલા અકસ્માતોમાં મોટાભાગે શેરી કે સોસાયટીમાં જ સર્જાતા હોય છે, રખડતા ઢોર રસ્તા પર ન દેખાય અને મનપાની આબરૂ પણ સચવાય તે માટે આવી વિચિત્ર વ્યવસ્થા કરવામાં આવી છે.

જામનગર મહાનગર પાલિકા દ્વારા 10થી 11 માણસોને બે સીફ્ટ પ્રમાણે મુકવામાં આવ્યા છે. જેમાં તેઓ લીમડા લાઈન, ગુરુદ્વારા, પંચેશ્વર ટાવર, પટેલ કોલોની, રણજિતસાગર રોડ સહીતના વિસ્તારોમાં સવારે 8થી 12 અને સાંજે 4થી 8 વાગ્યાં સુધી શહેરના મુખ્ય માર્ગો પર લાકડી લઈને ઉભા રહે છે. આ દરમ્યાન મુખ્ય માર્ગો પર રખડતા પશુ આવે એટલે તેને હંકારીને શેરી-ગલીમાં મૂકી આવે છે. આ અંગે મનપાના અધિકારીઓએ જણાવ્યું કે માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. ઢોર પકડવાની કામગીરી પણ ચાલુ જ છે.

તમે વિશ્વમાં એવી ક્યાં વ્યવસ્થા નહીં જોઈ હોય કે શહેરમાં રખડતા પશુઓને હકારવા માટે માણસોની નિમણૂક કરવામાં આવી હોય, આવું માત્ર જામનગરમાં જોવા મળી રહ્યું છે. અધિકારીઓએ તો ટ્રાફિકને અડચણ દૂર થાય તે માટે વ્યવસ્થા કરી હોવાનો લૂલો બચાવ કર્યો છે, પરંતુ હકીકતમાં સોસાયટીઓમાં ગલીઓમાં રમતા બાળકો સાથે અનેક વખત પશુઓએ અકસ્માત સર્જયો છે. ત્યારે આ ગંભીર મામલે કોઈ નક્કર પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.