November 24, 2024

‘આરોપીઓને બચાવવાનો પ્રયાસ’ કોલકાતા રેપ-મર્ડર કેસમાં રાહુલ ગાંધીના આક્ષેપો

ફાઇલ ફોટો

Kolkata Doctor Rape Case: કોલકાતામાં એક ટ્રેઇની ડોક્ટર સાથે થયેલી બર્બરતાથી આખા દેશમાં આક્રોશ છે. આ કેસની તપાસ માટે CBIની ટીમ કોલકાતા પહોંચી ગઈ છે. દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ ઘટનાને ક્રૂર ગણાવી છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં લખ્યું કે, કોલકાતામાં જુનિયર ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘૃણાસ્પદ ઘટનાથી આખો દેશ આઘાતમાં છે. ડૉક્ટરની સાથે થયેલ ક્રૂર અને અમાનવીય કૃત્યોનો જેમ જેમ ખુલાસો થઈ રહ્યો છે તે તે રીતે ડૉક્ટર કોમ્યુનિટી અને મહિલાઓમાં અસુરક્ષાનું વાતાવરણ છે.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વધુમાં લખ્યું કે “પીડિતાને ન્યાય આપવાને બદલે આરોપીને બચાવવાનો પ્રયાસ હોસ્પિટલ અને સ્થાનિક પ્રશાસન પર ગંભીર સવાલો ઉભા કરે છે. આ ઘટનાએ વિચારવા માટે મજબૂર કરી દીધા છે કે જો મેડિકલ કોલેજ જેવી જગ્યાએ ડોક્ટરો સુરક્ષિત નથી, તો કોના ભરોશે માતા-પિતા પોતાની દીકરીઓને ભણવા માટે બહાર મોકલે? નિર્ભયા કેસ બાદ બનેલા કડક કાયદા પણ આવા ગુનાઓને રોકવામાં કેમ નિષ્ફળ રહ્યા છે?”

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ દેશના જુદા જુદા વિસ્તારોમાં મહિલાઓ વિરુદ્ધ થઈ રહેલી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, “હાથરસથી ઉન્નાવ અને કઠુઆથી કોલકાતા સુધી મહિલાઓ વિરુદ્ધ સતત વધી રહેલી ઘટનાઓ પર, દરેક પક્ષ, દરેક વર્ગે ગંભીર વિચાર વિમર્શ કરીને અને નક્કર પગલાં લેવા માટે એકસાથે આવવું પડશે. હું આ અસહ્ય દુઃખમાં પીડિતાના પરિવારની સાથે છું. તેઓને કોઈપણ ભોગે ન્યાય મળવો જ જોઈએ અને ગુનેગારોને એવી સજા મળવી જોઈએ જે સમાજમાં ઉદાહરણ તરીકે સ્થાપિત થાય.

ઉલ્લેખનીય છે કે કોલકાતામાં જુનિયર ડોક્ટર પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યા કરી દેવામાં આવી. હત્યાની આ ઘૃણાસ્પદ ઘટનાથી સમગ્ર દેશના આઘાત અને આક્રોશ ફેલાયો છે. જે રીતે જુનિયર ડૉક્ટર સાથે આચરવામાં આવેલા ક્રૂર બર્બરતા અને અમાનવીય કૃત્યોનો પર્દાફાશ થઈ રહ્યો છે, તેના કારણે ડોક્ટર સમુદાય અને મહિલાઓમાં અસુરક્ષાનું વાતાવરણ છે.