દહેગામમાં ગણેશ વિસર્જનમાં સર્જાઇ કરુણાંતિકા, મેશ્વોમાં ડૂબતાં 3ના મોત
દહેગામ: એક તરફ સમગ્ર દેશ ગણેશ મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરી રહ્યો છે અને અનેક ઠેકાણે હવે ગણેશ વિસર્જનના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. તો ગુજરાતમાં પણ ગણેશ વિસર્જનને લઈને જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, ગાંધીનગરના દહેગામમાં આજે ગણેશ વિસર્જનનો ઉત્સાહ શોકમાં ફેરવાઇ ગયો છે. દહેગામના એક ગામમાં ગણેશ વિસર્જન દરમિયાન 9 જેટલા લોકો નદીમાં ડૂબી જતાં કરુણાંતિકા સર્જાઇ છે.
છેલ્લા કેટલાય સમયથી મોટી દુર્ઘટનાઓનો સામનો કરી રહેલા ગુજરાતમાં આજે વધુ એક કરુણાંતિકા સર્જાઇ છે. ગાંધીનગરના દહેગામમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના સર્જાઇ છે. દહેગામના વાસણા સોગઠી ગામે 9થી વધુ લોકો મેશ્વો નદીના પાણીમાં ડૂબ્યાં છે. મળતી માહિતી મુજબ, ગણેશ વિસર્જન દરમિયાન વાસણા સોગઠી ગામે 9 જેટલા લોકો મેશ્વો નદીમાં ડૂબ્યાં હતા. જેમાંથી 3 લોકોના મોત થઈ ગયા છે.
વિસર્જન દરમિયાન 9 લોકો પાણીમાં ડૂબતાં ફાયર વિભાગ અને તરવૈયાઓએ તુરંત ડૂબેલા લોકોને શોધવા માટે શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ દરમિયાન ફાયર વિભાગે નદીમાંથી 3 મૃતદેહ બહાર કાઢ્યા હતા. જ્યારે, અન્ય લોકોની સ્થાનિક તરવૈયાઓ દ્વારા હાલ શોધખોળ કરવામાં આવી રહી છે. તો, ગણેશ વિસર્જનના દિવસે જ દુર્ઘટના સર્જાતાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.