મોડે સુધી ગરબા રમવાના સરકારના નિર્ણયથી વેપારીઓ ખુશ, સરકારનો માન્યો આભાર
અમિત રૂપાપરા, સુરત: રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીને લઈને જે નિર્ણયો લેવામાં આવ્યા હતા. તેને લઈને નાના-નાના વેપારી કે જે રસ્તા પર કે દુકાનોમાં ફૂડ સ્ટોલ કે પછી અન્ય ખાદ્ય પદાર્થનું વેચાણ કરે છે તેમને ખૂબ સારી આવક નવરાત્રી દરમિયાન મળતા તેમને સરકારનો આભાર માન્યો છે. રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીમાં મોડી રાત સુધી ફૂડ સ્ટોલ કે દુકાનો ખુલી રાખવા માટે નિર્ણય કરવામાં આવ્યું હતું અને પોલીસને પણ અપીલ કરવામાં આવી હતી કે રાત્રે જો દુકાનો ખુલી હોય તો વેપારીઓને હેરાન કરવામાં ન આવે અને તેને જ લઈને વેપારીઓની નવરાત્રી ખૂબ સારી રહી છે અને હવે દિવાળીમાં પણ આ જ પ્રકારનો નિર્ણય સરકાર લે તેવી અપેક્ષા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
નવરાત્રી દેશનો સૌથી મોટો તહેવાર કહેવાય છે અને નવરાત્રીના નવે નવ દિવસ ખેલૈયાઓ માં અંબાની આરાધના કરીને ગરબે રમતા હોય છે. મોડી રાત્રે ગરબા રમીને પરત ફરતા ખેલૈયાઓ અલગ-અલગ દુકાનો પર નાસ્તો પણ કરતા હોય છે. અગાઉના વર્ષોમાં દુકાનો મોડે સુધી ખુલ્લી રાખવા દેવામાં આવતી ન હતી પરંતુ આ નવરાત્રીમાં રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા પણ રમી શકશે અને ગરબા રમીને પરત ઘરે જતા સમયે જો ખેલૈયાઓને ભૂખ લાગે તો તેઓ શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર લારી તેમજ દુકાનો પર નાસ્તો પણ કરી શકશે. એટલે ખેલૈયાઓની સાથે નાના નાના દુકાનદારો કે જે પોતાના ફૂડ સ્ટોલ કે દુકાનમાંથી ખાદ્ય પદાર્થનું વેચાણ કરીને પોતાના પરિવારનો ગુજરાન ચલાવે છે. આ લોકોનો તહેવાર પણ ખૂબ સારો જાય અને દિવાળીમાં તેઓ પોતાના પરિવાર સાથે નવા કપડાં ખરીદી ખૂબ આનંદથી દિવાળી મનાવે તે માટે આ નાના નાના દુકાનદારોની દુકાન પણ મોડી રાત સુધી ખુલ્લી રાખવા દેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં આ નવરાત્રી દરમિયાન નવે નવ દિવસ સુધી અલગ અલગ વિસ્તારમાં નાના નાના વેપારી તેમજ ફૂડ સ્ટોલ ધારક હોય રાત્રે ચાર કે પાંચ વાગ્યા સુધી ખુલ્લા રાખ્યા હતા. ચાઈનીઝ, પરાઠા, મનચુરીયન, ફ્રેન્કી, પિત્ઝા, ખમણ અને ઇદડા જેવા ફૂડ સ્ટોલ ધારકો આખી રાત ફૂડ સ્ટોલ ખુલ્લા રાખીને રોજગારી મેળવતા જોવા મળ્યા હતા. આ ફૂડ સ્ટોલ ધારકો પોલીસને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવી રહ્યા છે. કારણકે પોલીસના કારણે તેઓ પોતાની આ નવરાત્રીમાં ખૂબ સારું વેપાર મેળવી શક્યા છે.
ઉલ્લેખનીય છે કે, મોડી રાત સુધી જો દુકાનો ખુલી હોય તો પોલીસ આ નાના નાના દુકાનદારોને દુકાનો બંધ કરાવતી હોય છે પરંતુ આ નવરાત્રીમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા પોલીસને પણ અપીલ કરવામાં આવી હતી કે, મોડી રાત સુધી નાના નાના દુકાનદારોને પોતાની દુકાનો ખુલી રાખવા દેવામાં આવે. જેથી કરીને તેઓ પણ પોતાની રોજગારી મેળવી શકે અને ગૃહરાજ્યમંત્રીની અપીલ પોલીસે પણ સ્વીકારી અને પોલીસ પણ આ દુકાનદારોને દુકાનો બંધ કરાવવાના બદલે રક્ષણ પૂરું પાડતી રહી. આ જ કારણે રાત્રે ચાર વાગ્યે પણ રાત્રિના આઠ વાગ્યે જે પ્રકારે રસ્તા પર ચહલ-પહલનો માહોલ હોય તે પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો અને દુકાનદારોએ ખૂબ આનંદ અને ઉત્સાહપૂર્વક ખૂબ સારો વેપાર કરીને નવરાત્રીની ઉજવણી કરી અને નવરાત્રી દરમિયાન ખૂબ સારો વેપાર થવાના કારણે આ નાના નાના વેપારીઓ પરિવાર સાથે દિવાળી ખૂબ જ આનંદ અને ઉત્સાહથી ઉજવશે.