December 22, 2024

બોટાદ નગરપાલિકાના વેરા વધારા સામે વેપારીઓની લાલ આંખ

ભોથા શેખલીયા, બોટાદ: બોટાદ નગરપાલિકા દ્વારા મિલકત વેરામાં અસહ્ય વેરા વધારો ઝીંકવામાં આવ્યો છે. પાલિકા દ્વારા કરવામાં આવેલ આ વેરા વધારાની સામે વેપારીઓ દ્વારા વાંધા અરજી રજૂ કરવામાં આવી હતી. બોટાદ નગરપાલિકા ખાતે વેપારીઓ એકત્ર થઈ 120 જેટલી અરજીઓ રજૂ કરી વેરા વધારો પાછો ખેંચવા માંગ કરવામાં આવી છે.

બોટાદ નગરપાલિકા દ્વારા આગામી વર્ષમાં 2024 25 માટે મિલકત વેરામાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને ગટરવેરા, દિવાબત્તી વેરા, સાફ-સફાઈ વેરા અને પાણી વેરામાં સો ટકા એટલે કે ડબલ વેરો વધારવામાં આવ્યો છે. શહેરીજનો માટે 10% વેરાવધારા સાથે લેવાતા નિયમિત વેરામાં એકસાથે તોતિંગ વધારો કરી શહેરીજનો ઉપર ખૂબ મોટો બોજો નાખી દેવામાં આવ્યો છે. એક તરફ કમર તોડ મોંઘવારીમાં સામાન્ય પ્રજા માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હોય ત્યારે વેપારીઓ સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં આવી ગયા છે.

આજરોજ બોટાદ જિલ્લા વેપારી એસોસિએશન દ્વારા એક મિટિંગનું આયોજન કરી વેરા વધારે સામે વાંધો રજૂ કરી એકસાથે 120 જેટલી વાંધા અરજીઓ નગરપાલિકા ચીફ ઓફિસરને આપવામાં આવી હતી. અને માંગ કરી હતી કે નવો વેરા વધારો પાછો ખેંચવામાં આવે અને જુના વેરા વધારાના દર લાગુ કરવામાં આવે. બોટાદ શહેરમાં વેરાવધારા સામે લોકોનો રોષપણ વધવાની સંભાવનાને લઈ હજુ પણ વેરાવધારા સામે વિરોધ દર્શાવતી અરજીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે. ત્યારે આગામી સમયમાં વેરા વધારા અંગે યોગ્ય નિર્ણય લઈ જાહેર જનતાના હિત માટે વેરા વધારો પાછો ખેંચાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.