November 17, 2024

વાપી-વલસાડમાં ધોધમાર વરસાદ, વાપીના રમઝાન વાડીમાં ત્રણ બાળકો ડૂબ્યા

વલસાડ: ગુજરાત આખામાં સાર્વત્રિક મેઘમહેર થઇ છે. આજે વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જોકે દક્ષિણ ગુજરાતમાં મેઘો ધડબડાટી બોલાવી રહ્યો છે. સુરત, વાપી અને વલસાડમાં આજ સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદના પગલે ઘર અને દુકાનોમાં પાણી ઘુસ્યા છે અને રસ્તાઓ પર પાણી ફરીવળ્યા છે.

વસલાડ જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ વલસાડ અને વાપી ખાતે વરસ્યો છે. વલસાડ જિલ્લામાં 6 થી 12 વાગ્યા સુધીમાં નોંધાયેલો વરસાદની વાત કરીએ તો વલસાડ 3.55 ઈંચ, ધરમપુર 2.16 ઈંચ, પારડી 1.33 ઈંચ, કપરાડા 1.85 ઈંચ, ઉમરગામ 1.31 ઈંચ, વાપી 4.80 ઈંચ વરસાદ નોંધાયો છે.

વલસાડ જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યાં જ રસ્તાઓ પાણી-પાણી થઈ જવા પામ્યા છે. આ દરમિયાન વાપીમાં રમઝાન વાડીમાં ત્રણ બાળકો ડૂબ્યા હતા. આ ઘટનાને લઈ ડિઝાસ્ટર વિભાગે માહિતી લઈ કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે. હાલમાં જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.