January 16, 2025

સતત બીજા દિવસે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ

Gujarat Monsoon: આજે સતત બીજા દિવસે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી છે. તો આજે પણ અમદાવાદ ગાંધીનગર, દ્વારકા, ભાવનગર, અમરેલી ભાવનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ થયો હતો. તો અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાઈ જતાં જનતાને હાલાકી પડી હતી.

અમદાવાદ પૂર્વમાં ભરાયા વરસાદી પાણી
આજે બીજા દિવસે પણ અમદાવાદમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ થયો છે. તો આજે, ખાસ કરીને આજે વરસાદ બાદ પૂર્વમાં હાટકેશ્વર નજીક પાણી ભરાયા છે. ખોખરા વિસ્તારની ગુજરાત હાઉસીંગ બોર્ડના ઓટલા સુધી પાણી ભરાયા હતા. ખોખરાની નવદુગાઁ સોસાયટીથી જાડેજા કોલ્ડડ્રીંક સુધીના માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. અમકાઈવાડીના શ્રી જોગણી માતાના મંદિર પાસે પાણીનો ભરાવો થયો હતો. CTM જામફળવાડી પાસે વરસાદી પાણી ભરાયા હતા.
અમરેલીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી 
અમરેલી જિલ્લામાં મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને ખાંભા શહેરમાં ધોધમાર વરસાદ પડવાને પગલે ખાંભાના મિતિયાળા રોડ, આશ્રમ પરા,આનંદ સોસાયટી સહિત વિસ્તારોમાં શેરીઓમાં પાણી ભરાયા હતા અને નદી જેવા ખાંભા આંબા શહેરમાં જોવા મળ્યા હતા.
ખાંભા ગીર પંથકમાં ધોધમાર 
અમરેલીના ખાંભા ગીર પંથકમાં આજે પણ અનરાધાર વરસાદ થયો છે. ધોધમાર વરસાદથી શેરીઓમાં પાણી ભરાયાં હતા. તો જાણવા મળી રહ્યું છે કે હનુમાનપુર, બોરાળા, ચકરાવા, ખડાધાર સહિત ગામોમાં ધોધમાર વરસાદ થયો છે.
સતત પાંચમા દિવસે ભાવનગરમાં વરસાદ 
આજે ભાવનગર શહેરમાં સતત 5 માં દિવસે મેઘરાજાનું આગમન થયું છે. શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. બપોર સુધી નીકળેલા ઉઘાડ બાદ સાંજના સુમારે મેઘરાજાનું આગમન થયું હતું. નિર્મળનગર, ચાવડી ગેઇટ, નિલમબાગ સર્કલ, રૂપાણી સર્કલ, ઘોઘા ગેઇટ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો.
ભારે વરસાદથી દ્વારકાના રસ્તાઓ પાણીમાં ગરકાવ 
યાત્રાધામ દ્વારકામાં આજે સાંબેલાધાર વરસાદ થયો છે. આજે થયેલા ભારે વરસાદને પગલે દ્વારકા નગરીમાં પાણી પાણી થઈ ગઈ હતી. દ્વારકાના મુખ્ય રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. ભદ્રકાલી વિસ્તારમાં આવેલા રસ્તાઓ પર પણ વરસાદી પાણી ભરાયાં હતા. તો, દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદના કારણે જળ બંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ભોગાત લાંબા હાઇવે માર્ગ પરના ખેતરોમાં પાણી ભરાયા હતા. ભોગાત લાંબા આસપાસ ધોધમાર વરસાદ થયો હતો. હાઇવે માર્ગ પરના ખેતરોમાં દૂર દૂર સુધી પાણી પાણી થયા હતા.