December 23, 2024

ગુજરાત સરકારે લાખોની સંખ્યામાં ગપ્પી માછલીઓનો ઉછેર કેમ કર્યો

World Dengue Day: આજે વિશ્વ ડેન્ગ્યુ દિવસને લઈ રાજ્યમાં રોગચાળો અટકાવવા રાજ્ય સરકારે પગલાં લીધા છે. જે અંતર્ગત આગામી ચોમાસા પહેલા સરકારે લાખોની સંખ્યામાં ગપ્પી માછલીઓનો ઉછેર કર્યો છે. જિલ્લામાં હેંચડી, હોઝ, તળાવો મળીને 3189 જગ્યા પર ગપ્પી માછલીઓ મૂકવામાં આવી છે. તમને જણાવી દઇએ કે, ગપ્પી માછલીઓ પાણીમાં રહેલા પોરાનો નાશ કરીને મેલેરીયા રોગચાળો અટકાવે છે.

હાલમાં રાજ્ય સરકાર દ્વારા એક ચોરસ મીટરના ક્ષેત્રફળમાં 5 માછલી છોડવામાં આવે છે, રાજ્યમાં મેલેરિયા અને ડેન્ગ્યુના રોગચાળા માટે પૂરતી દવાનો જથ્થો હાજર હોવાનું પણ રાજ્ય સરકારે જણાવ્યું છે. જોકે રાજ્યમાં દવાનો જથ્થો હાજર પરંતુ ડોક્ટરોની ભારે અછત છે. રાજ્યમાં 4 હજાર જેટલા તબીબોની સામે 1500 જેટલા તબીબોની ઘટ હોવાનું રાજ્ય સરકારે કબૂલ્યું છે.

ઉલ્લેખનિય છે કે, દર વર્ષે 16 મેના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ઉજવવામાં આવે છે. ડેન્ગ્યુનો વાયરસ ચેપગ્રસ્ત માદા મચ્છરો, મુખ્યત્વે એડીસ એજિપ્ટી મચ્છરના કરડવાથી લોકોમાં ફેલાય છે જેમાં ઘણી વખત લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. ડેન્ગ્યુના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેનો હેતુ લોકોને ડેન્ગ્યુ જેવા રોગોથી વાકેફ કરવાનો છે. આ વર્ષે 2024 માટે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની થીમ ડેન્ગ્યુ નિવારણ: એક સુરક્ષિત કાલ માટે આપણી છે. ખાસ વાત એ છે કે દર વર્ષે ડેન્ગ્યુ ડેની અલગ અલગ થીમ હોય છે.