November 13, 2024

આંદોલનકારી ડોકટરો ‘દેશદ્રોહી’, કોર્ટના આદેશોનું પાલન નથી થતું: TMC નેતા

West Bengal: તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના એક નેતાએ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન ન કરવા બદલ હડતાળ પર રહેલા ડૉક્ટરોની ટીકા કરી અને તેમને ‘દેશદ્રોહી’ ગણાવ્યા. વીડિયો ક્લિપમાં ટીએમસી નેતા ચંદન મુખોપાધ્યાય પાર્ટીના એક કાર્યક્રમમાં આ નિવેદન આપતા જોવા મળ્યા હતા. નોંધનીય છે કે, મુખોપાધ્યાય ઉત્તર-24 પરગણાની બદુરિયા પંચાયતના પ્રમુખ છે.

વીડિયો ક્લિપમાં તેઓ કહેતા જોવા મળ્યા હતા કે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ડૉક્ટરો તેમની હડતાળ ચાલુ રાખી રહ્યા છે અને લોકોની સેવા કરવાની તેમની જવાબદારી ભૂલી ગયા છે. તેમણે કહ્યું કે કોર્ટના આદેશનું પાલન ન કરનારા આવા ડોક્ટરો સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

સુપ્રીમ કોર્ટે વિરોધ કરી રહેલા ડોકટરોને 10 સપ્ટેમ્બરે સાંજે 5 વાગ્યાથી પોતાની ફરજ પર પાછા ફરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ વિરોધ કરી રહેલા જુનિયર ડોકટરોએ સતત 33મા દિવસે તેમની હડતાળ ચાલુ રાખી હતી.

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ગયા મહિને તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં વિરોધીઓ ન્યાયની માંગ કરી રહ્યા છે. આરોગ્ય ભવન બહાર જુનિયર તબીબોની હડતાળ ચાલુ છે. તેઓ કોલકાતા પોલીસ કમિશનર અને વરિષ્ઠ આરોગ્ય અધિકારીઓને તેમના પદ પરથી હટાવવાની માંગ કરી રહ્યા છે.