January 1, 2025

રાષ્ટ્રીય સ્તરે ‘સનાતન ધર્મ રક્ષણ બોર્ડ’ બનાવવાની પવન કલ્યાણની માગ

તિરુપતિઃ બાલાજી મંદિરમાં પ્રસાદને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આંધ્ર પ્રદેશના ડેપ્યુટી સીએમ અને જનસેના પાર્ટીના વડા પવન કલ્યાણે રાષ્ટ્રીય સ્તરે સનાતન ધર્મ રક્ષા બોર્ડની રચના કરવાની માગ ઉઠાવી છે. પવન કલ્યાણે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, તેણે સમગ્ર દેશમાં ધાર્મિક બાબતોની દેખરેખ માટે રાષ્ટ્રીય સ્તરે સનાતન ધર્મ રક્ષા બોર્ડની રચના કરવાની માગ કરી છે.

નોંધનીય છે કે, આંધ્રપ્રદેશની અગાઉની YSRCP સરકાર દરમિયાન પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ બનાવવામાં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા છે. રાજ્યના સીએમ ચંદ્રબાબુ નાયડુએ આ આરોપો લગાવ્યા છે. ત્યારબાદ સમગ્ર દેશમાં આ મામલો ગરમાયો છે અને ઉચ્ચ સ્તરીય તપાસની માગ ઉઠી રહી છે. સોશિયલ મીડિયા પર પણ આ વિશે ઘણું લખાઈ રહ્યું છે.

આ વિવાદ વચ્ચે રાજ્યના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે સોશિયલ મીડિયા પર શેર કરેલી એક પોસ્ટમાં લખ્યું છે કે, તિરુપતિ બાલાજી પ્રસાદમાં એનિમલ ફેટ (માછલીનું તેલ, ડુક્કરની ચરબી અને બીફ ફેટ) ભેળવવામાં આવે છે. તેનાથી આપણે બધા પરેશાન છીએ. તત્કાલિન YSRCP સરકાર દ્વારા રચવામાં આવેલ TTD બોર્ડને ઘણા પ્રશ્નોના જવાબ આપવા પડશે. અમારી સરકાર શક્ય તેટલા મજબૂત પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે. જો કે, આ કેસ મંદિરોની અપવિત્રતા, જમીનના મુદ્દાઓ અને અન્ય ધાર્મિક પ્રથાઓ સાથે સંકળાયેલા કેટલાક મુદ્દાઓને પ્રકાશિત કરે છે.

પવન કલ્યાણે લખ્યું કે ‘હવે સમય આવી ગયો છે કે ભારતભરના મંદિરો સંબંધિત તમામ મુદ્દાઓ પર વિચાર કરવા માટે રાષ્ટ્રીય સ્તરે ‘સનાતન ધર્મ રક્ષા બોર્ડ’ની રચના કરવામાં આવે. આ મુદ્દા પર રાષ્ટ્રીય સ્તરે તમામ નીતિ ઘડવૈયાઓ, ધાર્મિક વડાઓ, ન્યાયતંત્ર, નાગરિકો, મીડિયા અને અન્ય તમામ દ્વારા પોતપોતાના ક્ષેત્રોમાં ચર્ચા થવી જોઈએ. મને લાગે છે કે આપણે બધાએ ‘સનાતન ધર્મ’નું કોઈપણ સ્વરૂપમાં અપમાન અટકાવવા માટે સાથે આવવું જોઈએ.’