February 24, 2025

મુંબઈ સહિત બે જિલ્લામાં HMP વાયરસના ત્રણ દર્દી મળ્યા, સરકારે જાહેર કરી એડવાઈઝરી

HMPV cases in India: હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)ના કેસ હવે મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે. નાગપુરની એક ખાનગી હોસ્પિટલમાં 7 વર્ષ અને 13 વર્ષની વયના બે બાળકોનો બે બાળકોનો HMPV ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ બંને બાળકોને ઉધરસ અને તાવ હતો. આ સિવાય મુંબઈમાં HMP વાયરસનો પહેલો કેસ પણ સામે આવ્યો છે. મુંબઈમાં એક છ મહિનાના બાળકને HMPથી ચેપ લાગ્યો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 3 કેસ સત્તાવાર રીતે નોંધાયા છે.

મુંબઇમાં પહેલો કેસ
મળતી માહિતી મુજબ, મુંબઈના પવઈમાં આવેલી હિરાનંદાની હોસ્પિટલમાં છ મહિનાની બાળકીમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)નો કેસ નોંધાયો છે. બાળકીને 1 જાન્યુઆરીએ ગંભીર ઉધરસ, છાતીમાં જકડ અને ઓક્સિજનનું સ્તર ઘટીને 84% સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડોકટરોએ નવા ઝડપી પીસીઆર ટેસ્ટ દ્વારા વાયરસની પુષ્ટિ કરી. ડોકટરોનું કહેવું છે કે બાળકીને આઈસીયુમાં બ્રોન્કોડિલેટર જેવી દવાઓ સાથે લક્ષણોની સારવાર આપવામાં આવી હતી, કારણ કે આ વાયરસની કોઈ ચોક્કસ સારવાર નથી. બાળકીને 5 દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

ડોકટરોએ કહી આ વાત
બીજી બાજુ, BMC આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે તેમને કેસનો કોઈ રિપોર્ટ મળ્યો નથી, પરંતુ ઈન્ફલ્યુએન્ઝા અને ગંભીર શ્વસન ચેપ માટે દેખરેખ વધાર્યું છે. ડોકટરો કહે છે કે HMPV દાયકાઓથી છે અને તે મુખ્યત્વે બાળકો અને વૃદ્ધોને અસર કરે છે, પરંતુ તેનાથી કોવિડ જેવી રોગચાળો થવાની સંભાવના નથી.

ભારતમાં અત્યાર સુધીમાં 9 કેસ મળી આવ્યા
નોંધનીય છે કે, ભારતમાં અત્યાર સુધીમાં HMPV વાયરસના કુલ 9 કેસ નોંધાયા છે. પ્રથમ અને બીજા દર્દીઓ કર્ણાટકના, ત્રીજા ગુજરાતના, ચોથા પશ્ચિમ બંગાળના, પાંચમા અને છઠ્ઠા તમિલનાડુના ચેન્નાઈના અને સાતમા અને આઠમા નાગપુરના છે. મુંબઈમાં 9મો દર્દી સંક્રમિત જોવા મળ્યા.

સરકારે એડવાઈઝરી જારી કરી
આ પહેલા સોમવારે મહારાષ્ટ્ર સરકારે હેલ્થ એડવાઈઝરી જારી કરી હતી. એડવાઈઝરીમાં મહારાષ્ટ્ર સરકારે લોકોને ઉધરસ કે છીંક આવતી વખતે મોં અને નાક ઢાંકવા વિનંતી કરી છે. રાજ્ય સરકારે લોકોને સાબુથી વારંવાર હાથ ધોવા અને લક્ષણો દેખાય તો જાહેર સ્થળોથી દૂર રહેવા જણાવ્યું છે.

મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના અધિકારીઓએ ખાતરી આપી હતી કે ચીનના HMPV અહેવાલો અંગે ચિંતાનું કોઈ કારણ નથી. મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું હતું કે, નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે સંકલનમાં HMPVની સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.