January 14, 2025

જામનગરમાં ચરસ સાથે ઝડપાયા ત્રણ માછીમાર, SOG પોલીસની કાર્યવાહી

સંજય વાઘેલા, જામનગર: છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં વધી રહેલા ડ્રગ્સના વેપલને લઈને નશીલા દ્રવ્યો વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જામનગરમાં નશાકારક પદાર્થનું વેચાણ અટકાવવા માટે ‘નો ડ્રગ ઈન જામનગર’ અભિયાનના ભાગરૂપે જામનગર SOG દ્વારા પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે ચરસના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.

જામનગર જિલ્લામાં ‘નો ડ્રગ ઈન જામનગર’ અભિયાનના ભાગરૂપે જિલ્લામાં નશાકારક પદાર્થનું વેચાણ થતું હોય તેને અટકાવવા કાર્યવાહી ચાલી રહી છે. જે અનુસંધાને SOGના પોલીસ ઈન્સપેકટર બી.એન.ચૌધરી તથા PSI એલ.એમ.ઝેરના માર્ગદર્શન મુજબ SOG સ્ટાફ જામનગર જિલ્લાભરમાં પેટ્રોલિંગમાં હતો. દરમ્યાન SOG સ્ટાફને ખાનગી બાતમી મળેલ કે ફરીદ બસીરભાઈ ખોડ, અજીજ મામદભાઈ ગાધ તથા અસગર ગનીભાઈ પલેજા (રહે. બધા જોડીયા જી.જામનગર) દરિયામાં કરચલા પકડવા ગયેલ હતા અને ત્યાથી તેઓ માદક પદાર્થ ચરસનો જથ્થો લાવેલ છે અને આ જથ્થો તેઓએ દરીયા કિનારે સીમ વિસ્તારમાં સંતાડેલ છે.

આ ત્રણેય શખ્સો આ ચરસનો જથ્થો વેચાણ અર્થે જોડીયા મા ભેગા મળી સગેવગે કરવાની પેરવીમા છે. તેવી હકિકત આધારે જોડીયા ગામ, બંદર રોડ ઉપર આવેલ બાવળની ઝાડીમાંથી ઉપરોક્ત ત્રણેય શખ્સો ને ગેર કાયદે માદક પદાર્થ ચરસ 5 કિલો 859. ગ્રામ ( કિ.રૂ.8,78,850) તથા મોબાઈલ ફોન નંગ-3 કુલ કિ.રૂ. 30,000 એમ કુલ મુદામાલ મળી કિ.રૂ.9,08,850 સાથે ઝડપાયેલ છે. અને ત્રણેય વિરૂધ્ધ જોડીયા પો.સ્ટે. એન ડી પી એસ. એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરાવેલ છે.