December 23, 2024

ખેલૈયાઓ, આ નવરાત્રી મન મૂકીને ગરબા રમજો: સરકારે કરી મોટી જાહેરાત

Navritri 2024: આગામી 3 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થશે અને 12 ઓક્ટોબરે દશેરાની ઉજવણી થશે. ત્યારે આ નવરાત્રિમાં ખેલૈયાઓ માટે ભૂપેન્દ્ર પટેલ સરકારે સૌથી મોટા ખુશીના સમાચાર આપ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગરબા આયોજકો અને ખેલૈયાઓને લઈ એક સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં હવે નવરાત્રિની દસે દસ રાત્રિએ આખી રાત ગરબા રમી શકશે. સવારે 5 વાગ્યા સુધી પણ ગરબા રમી શકશે. આ માટે ગુજરાત પોલીસને પણ તૈયાર રહેવા સૂચના આપી દેવાઈ છે.

મુંબઈમાં આયોજિત એક ભારત, શ્રેષ્ઠ ભારત કોન્કલેવમાં ઉપસ્થિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક સવાલના જવાબમાં કહ્યું કે, ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો ક્યાં જઈને રમશે? નવરાત્રિમાં સવાર સુધી કોઈ પણ જાતની રોકટોક વગર ગરબા રમવાની બધાને છૂટ મળશે.

આ અંગે ભારપૂર્વક પૂછતાં ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, ગરબા આખી રાત ચાલવા દેવા કે નહીં તે ટેક્નિકલ બાબત છે. તેમાં હું વધારે ઉંડો નથી ઉતરતો. પરંતુ, ગરબા સવારે પાંચ વાગ્યા સુધી લોકો રમી શકશે. જો કે આ અંગે તેમણે અધિકારીક કોઇ જાહેરાત કરી નથી પરંતુ જે પ્રકાર લોકોની આસ્થા હોય અને તંત્ર દ્વારા ઢીલ આપવામાં આવતી હોય છે તે પ્રકારે માનવ સહજ ઢીલ આપી હોય તેવા ટોનમાં તેમણે આ વાત કરી હતી.