December 21, 2024

ગરીબ બાળકોના સુંદર ભવિષ્ય માટે અમદાવાદના IPSના પત્નીએ શરૂ કર્યું અભિયાન

Women’s Day Special: આજે મહિલા દિવસ પર એક એવી મહિલા વિશે આપણે વાત કરીશું જે પોતે નાનપણથી પછાત વર્ગના બાળકોના શિક્ષણ માટે કામ કરી રહ્યા છે. શિક્ષણકાર્યની સાથે સાથે અનેક પ્રકારના સામાજીક કાર્ય પણ કરે છે. આ વાત છે અમદાવાદના IPS ઓફિસર મકરંદ ચૌહાણની પત્ની નિધિ ચૌહાણની. અમદાવાદના IPS ઓફિસર મકરંદ ચૌહાણની પત્ની નિધિ ચૌહાણનો જન્મ દિલ્હીમાં થયો હતો અને ત્યાં જ મોટા થયા હતા.

IPS ઓફિસરના પત્ની નિધિ ચૌહાણ વંચિત પૃષ્ઠભૂમિના બાળકોને શિક્ષણ મેળવવામાં ઉત્સાહ છે અને જેઓ બાળકો ભણવાની ઈચ્છા ધરાવે છે પરંતુ નાણાકીય અવરોધોનો સામનો કરે છે તેમને સમર્થન આપે છે અને સાથે સાથે મદદ પણ કરે છે. નિધિ ચૌહાણે પોલિટિકલ સાયન્સમાં બીએ ઓનર્સ મેળવ્યું છે. તે બાળકોના સુધારણા માટે કામ કરવા માટે સમર્પિત થઇ ગયા છે અને તેને જ ભવિષ્ય માને છે.

ઘણીવાર એવું માનવામાં આવે છે કે લગ્ન પછી સ્ત્રીનું જીવન બદલાઈ જાય છે, પરંતુ નિધિ ચૌહાણનું બીજાની સેવા કરવાનું સમર્પણ લગ્ન કર્યા પછી પણ ડગ્યું નથી. તેણી તેના પતિ મકરંદ અને તેમના પરિવારના સંપૂર્ણ સમર્થન સાથે તેમની સેવા ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છે.નિધિ ચૌહાણ જોધપુર સાથે સાથે નારોલમાં પણ એક હિન્દી હાઇસ્કૂલમાં શિક્ષણ આપવા જાય છે અને સાથે સાથે નિધિ ચૌહાણ ઘરમાં વંચિત બાળકોને શિક્ષણ પણ આપી રહ્યાં છે. વધુમાં મહિલા દિવસ પર નિધી ચૌહાણ ગરીબ મહિલાઓને કપડાં અને બેગનું વિતરણ કરવા માટે એક નવું અભિયાન શરૂ કરી રહ્યાં છે અને સાથે સાથે પ્લાસ્ટિકના ઉપયોગની હાનિકારક અસરો વિશે પણ જાગૃતિ ફેલાવી રહ્યાં છે.

ન્યુઝ કેપિટલ સાથે વાત કરતાં નિધિ ચૌહાણે જણાવ્યું કે, ‘હું જ્યારે 13 વર્ષની હતી ત્યારે હું જોતી હતી કે કેટલાંક ગરીબ લોકોના બાળકો ભણવાની ઇચ્છા ધરાવે છે પરંતુ માતા-પિતાની આર્થિક પરિસ્થિતિને કારણે તે ભણી નથી શકતા બીજી બાજુ તેમના માતા-પિતા પણ બાળકોના શિક્ષણને લઇને પરેશાન થતા ત્યારથી હું ગરીબ બાળકોને ભણાવવાનું શરૂ કરી દીધું હતું અને હાલ હજુ સુધી શિક્ષણ આપવાનું શરૂ રાખ્યું છે’. વધુમાં નિધિ ચૌહાણે જણાવ્યું કે હું નસીબદાર છું કે મને ખૂબજ સારો પરિવાર મળ્યો છે, પરિવારના બધા જ લોકોએ મને સપોર્ટ કર્યો અને કહ્યું કે સમાજ માટે તમે કામ કરો એજ અમારી માટે મોટી વાત છે.’

વધુમાં નિધિ ચૌહાણે કહ્યું કે,’ સમગ્ર ગુજરાતમાં જ્યાં મારા પતિની નોકરી હોય ત્યાંના ગામડાંઓમાં જઇને બહેનોને મળીને ગરીબ લોકોના બાળકોને ભણાવું છું અને સાથે સાથે ગરીબ બાળકોને નોટબુક્સનું વિતરણ પણ કરુ છું અથવા તેમની કોઇ નાની મોટી જરૂરિયાત હોય જેમકે દવા કે કોઇ બિમાર માટે ઇલાજ ન થતો હોય તો તે અમે પુરી પાડીએ છીએ. વધુમાં તેમના અભિયાન વિશે વાત કરતાં કહ્યું કે મહિલા દિવસના દિવસે ‘પ્લાસ્ટિક હટાવો’ અભિયાન શરૂ કરવા જઇ રહ્યાં છીએ. પ્લાસ્ટિક હટાવો અંતર્ગત મહિલાઓને કપડાથી બનેલી બેગનું વિતરણ કરીશું અને મહિલાઓને સજાવીશું કે પ્લાસ્ટિકના બેગને કારણે ખૂબજ પ્રદુષણ થાય છે. મહિલાઓને અપીલ કરીશું કે પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરો ફક્ત કપડાની બેગનો જ હંમેશા ઉપયોગ કરો. વધુમાં કહ્યું કે, ‘ખાસ મહિલાઓને નિવેદન કરું છું કે તમારી પાસે જેટલો સમય મળે તેટલો બાળકોને શિક્ષણ આપવામાં ઉપયોગ કરો, વધુમાં અપિલ કરી કે 24 કલાકમાં ઓછામાં ઓછો એક કલાકનો સમય કાઢીને બાળકોને ભણાવવમાં સમય આપો.’