September 21, 2024

લક્ઝરી કારની માંગ વધવાનું કારણ મળ્યું, દબદબો હવે મહાનગર પૂરતો સીમિત નથી

Luxury Cars Demand In India: ભારતમાં લક્ઝરી કારનું વેચાણ સતત વધી રહ્યું છે. તાજેતરના વર્ષોમાં આ ટ્રેન્ડ ઝડપથી વિશાળતા પ્રાપ્ત કરી રહ્યો છે. રૂપિયા  1 કરોડથી ઓછી કિંમતની લક્ઝરી અને પ્રીમિયમ ગણાતી કાર વિપુલ પ્રમાણમાં વેચાઈ રહી છે, ત્યારે રૂપિયા 1 કરોડથી વધુની મોંઘી કારના ખરીદદારો પણ વધી રહ્યા છે. હવે વાત આવે છે કે એવા કયા પરિબળો છે જે દર્શાવે છે કે લક્ઝરી કારની માંગ વધી રહી છે અથવા લક્ઝરી કાર એટલી લોકપ્રિય થઈ રહી છે. ભારતમાં મધ્યમ વર્ગમાં આવતા પરિવારોની સંખ્યા સતત અને સખત રીતે વધી રહી છે. આ લોકોની આવકમાં વધારો થયો છે, તેથી લોકો હવે લક્ઝરી વસ્તુઓ પર ખર્ચ કરવા સક્ષમ બન્યા છે.

પસંદગી બદલાઈ ગઈ છે
લક્ઝરી કાર હવે માત્ર અમીરોની પસંદગી જ હોય એવું રહ્યું નથી. મધ્યમવર્ગના લોકો પણ સારી અને ગુણવત્તા યુક્ત ઓટો પ્રોડક્ટ મળે તો પૈસા આપતા ખચકાતા નથી. દરેક કારની બ્રાંડ વેલ્યુ અલગ અલગ હોય છે. આ બ્રાંડ અનુસાર માર્કેટમાં એનું વલણ સ્પષ્ટ જોવા મળતું હોય છે. જ્યારે આ કાર વેચવાનો સમય આવે ત્યારે એની બ્રાંડ વેલ્યુ પ્રમાણે થોડા સારા ભાવ મળી રહે એ હેતું પણ મોંઘી કારને ખરીદવામાં આવે છે. કારની પ્રતિષ્ઠા અને ઈમેજ પણ કિંમતને અસર કરે છે. મોંઘીદાટ કારને એક સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવે છે. આવું થાય ત્યારે મધ્યમવર્ગનો માણસ પણ મોટો માણસ હોય એવું લાગે છે. ઘણી વખત રોકાણની સારૂ રીટર્ન મળી રહેતા પણ લોકો કાર ખરીદતા હોય છે.

આ પણ વાંચો: મારૂતી સુઝુકી બની ‘ટેક્સ ફ્રી કાર’, શૉરૂમ કરતા સસ્તી કિંમતે મળશે

લક્ઝરી કારનો ટ્રેન્ડ
અગાઉ એક ચોક્કસ વર્ગ માટે બનતી મોંઘીકાર અત્યારના સમયે મધ્યમવર્ગની પસંદગી બની રહી છે. જેને એક સફળતાનું પર્યાય માનવામાં આવે છે. પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે. ઓળખ તરીકે કારનું હોવું એ વાત દરેક તબક્કે ભલે સાચી ન હોય પણ દરેક પરિવારમાં કાર એ આજની જરૂરિયાત હોવાનું મનાય છે. બીજી તરફ મોંઘી કારમાં અતિઆધુનિક ફિચર્સ હોય છે. જે કોઈ સામાન્ય કારમાં મળતા નથી. આ કારણે એના ભાવ વધારે હોય છે. આ ફિચર્સ કારની સાથે ડ્રાઈવિંગને પણ સ્મૂથ બનાવે છે. આરામદાયક અનુભવ માટે આવા ફિચર્સ મૂકવામાં આવે છે. બીજી તરફ કારમાં સેફ્ટિની સુવિધા શ્રેષ્ઠ હોવાને કારણે એક વર્ગ આને પસંદ કરે છે. બેસ્ટ ક્ષમતા સાથે સુરક્ષા આપતી કારની વેલ્યુ વધારે રહેતી હોય છે. આ સાથે બદલતી લાઈફ સ્ટાઈલ પણ અસર કરે છે. નાના શહેરોમાં પ્રીમિયમ કહી શકાય એવી કાર વધારે જોવા મળી રહી છે.

નાના શહેરોમાં લેવીશ કાર
મહાનગરની સાથોસાથ હવે નાના શહેરમાં પણ મોંઘીદાટ કારના શોખીનો વધી રહ્યા છે. જે કાર દેખાવમાં પણ લેવીશ લાગે છે. કારના તમામ ફિચર્સ કોઈ એક મહાનગર પૂરતા હવે સિમીત રહ્યા નથી. નાના નગર અને ગ્રામ્ય વિસ્તાર સુધી લક્ઝરી કાર પહોંચતા એક આખો માહોલ બદલાયો છે. નાના શહેરમાંથી આવી કાર મોટાભાગે હાઈવે ટુર કે લોંગટર્મ ટુર માટે ખરીદાતી હોય છે. બીજી તરફ લગ્ન પ્રસંગે પણ લેવીશ ગણાતી કારને ડેકોરેટ કરીને વરરાજા પરણવા માટે નીકળે તો વટ પડે છે.