December 26, 2024

મહેસાણામાં આવેલું છે ગજાનંદને ‘ગાર્ડ ઓફ ઓનર’ અપાતું એક માત્ર મંદિર

કમલેશભાઈ, મહેસાણા: આજે ગણેશ ચતુર્થી છે અને આ તહેવાર આપણા દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે દેશવાસીઓ ભગવાન ગણેશની પૂજા કરે છે. બધા ભક્તો બાપ્પાની મૂર્તિની સ્થાપના કરે છે અને આગામી 10 દિવસ સુધી સતત તેમની પૂજા કરે છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં આ તહેવાર ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન ત્યાં ગણેશ પૂજાનો એક અલગ જ ભવ્યતા જોવા મળે છે. આ દિવસે ભક્તો બાપ્પાને ઘરે લાવે છે અને વિધિપૂર્વક તેમની પૂજા કરે છે. ત્યારે ગુજરાતના મહેસાણા ખાતે તો ગણપતિ બપ્પાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે.

આજે ગણેશ સાર્વજનિક મહોત્સવ ફકત મહારાષ્ટ્ર્ર પૂરતો સીમીત નથી રહ્યો. તેનો વ્યાપ ગુજરાત અને અન્ય પ્રદેશોમાં પ્રસરી ગયો છે. અને ગણપતિ મહોત્સવના આ ક્રેઝમાં હવે ઉત્તર ગુજરાત પણ બાકાત નથી. મહેસાણામાં ફુવારા વિસ્તારમાં આવેલા ગાયકવાડી જમાનાના ગણપતિ મંદિરે 1921થી ગણેશ મહોત્સવની ઉજવણી થતી આવી છે. આ મહોત્સવની રાજ્યના તમામ ગણેશ મહોત્સવમાં મોખરે ગણાય છે. અને તેનું કારણ એ છે કે, ગણેશ સ્થાપના પછી પોલીસ જવાનો દ્વારા ગજાનને ગાર્ડ ઓફ ઓનર અપાય છે. રાજ્યમાં ગણેશ મહોત્સવમાં પોલીસ જવાનો દ્વારા ગજાનંદને ગાર્ડ ઓફ ઓનર અપાતુ હોય તેવુ એક માત્ર મંદિર મહેસાણામાં છે. અને આ ભગવાન ગજાનંદ ગણપતિને ગાર્ડ ઓફ ઓનરથી સલામી આપાવાની પરંપરા 1921થી ચાલી આવે છે. અને આજે પણ ગાર્ડ ઓફ ઓનરની પરંપરા પોલીસ વિભાગે પણ જાળવી રાખી છે.

આજથી શરૂ થયેલ ગણેશોત્સવ નિમિતે મહેસાણામાં ગાયકવાડી ગણપતિ મંદિરે ગણપતિ દાદાને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. મહેસાણાના મુખ્ય બજારમાં આવેલું સિદ્ધિ વિનાયક ગાયકવાડી ગણપતિ મંદિર લગભગ 125 વર્ષ પુરાણુ મંદિર છે. જ્યાં ગાયકવાડ દર્શન કરવા આવતા હતા જેઓ ગણપતિ દાદાના પરમ ભક્ત હતા. જેઓએ ગાર્ડ ઓફ ઓનરની શરૂઆત કરી હતી અને આ પ્રથા આજે પણ દર વર્ષની જેમ જાળવી રાખીને મહેસાણા પોલીસ દ્વારા ગણપતિ દાદાને ગાર્ડ ઓફ ઓનર અચૂકપણે આપવામાં આવે છે.

ગાયકવાડી જમાનાથી ગણપતિ સ્થાપન વખતે 125 વર્ષ જૂની પરંપરા અનુસાર પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જ્યાં મહેસાણાના સાસંદ હરિભાઈ પટેલ, રાજ્યસભાના સાસંદ મયંકભાઈ નાયક, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.