December 27, 2024

વાહનચાલકો માટે માઠા સમાચાર, ગુજરાતમાં અહીં 63 KMના વિસ્તારમાં 3 ટોલનાકા

અરવિંદ સોઢા, ગીર સોમનાથ: જુનાગઢ-સોમનાથ વચ્ચે બે ટોલ બુથ કાર્યરત છે ત્યારે સોમનાથ-ઉના નેશનલ હાઇવેમાં હવે ગોરખમઢી અને કોડીનાર નજીક વધુ 2 ટોલ બુથ ટૂંક સમયમાં શરૂ થવાના છે ત્યારે ઉનાથી જુનાગઢ વચ્ચે આવતા વ્યવસાયિક અને પ્રવાસીઓ વાહન ચાલકો વારંવાર રોષ વ્યક્ત કરી રહ્યા છે. અને હાઇવે ઓથોરિટી જાણે લોકોને લૂંટવા બેઠી હોય તેવા આક્ષેપો કરી રહ્યા છે.

હાઈવે ઓથોરિટીના નિયમ પ્રમાણે 60 કિલોમીટર કરતાં વધારેના અંતરે એક ટોલ બુથ હોવું જોઈએ પરંતુ આ નિયમ ઉના-જુનાગઢ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર જળવાતો નથી. જેના કારણે પ્રવાસીઓ અને સ્થાનિક લોકોમાં હવે રોષ પણ ઉભો થતો જોવા મળી રહ્યો છે, જુનાગઢથી સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં આજના દિવસે વંથલી નજીક ગાદોઈ અને વેરાવળ નજીક ડારી ખાતે બે ટોલ બુથ અસ્તિત્વ ધરાવે છે. ત્યારે સોમનાથથી ઉના વચ્ચે બની રહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગને લઈને હવે બે નવા ટોલ બુથ કોડીનાર નજીક વેળવા ગામ નજીક અને ગોરખમઢી નજીક આગામી દિવસોમાં શરૂ થવા જઈ રહ્યા છે. જેના કારણે પ્રવાસન સ્થળ દીવ, સોમનાથ અને સાસણ, જુનાગઢ આવતા પ્રવાસીઓની સાથે સોમનાથ અને ઉના વચ્ચે ચાલતા વ્યવસાયિક વાહન ચાલકોને પણ હવે વધુ બે ટોલબથ પર આગામી દિવસોમાં ટોલ ચાર્જ ચૂકવવો પડશે. જેને લઈ વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સામાન્ય રીતે છેલ્લા કેટલાક વર્ષોમાં સોમનાથ સહિત તેમની આસપાસના વિસ્તારોનો સારો એવો વિકાસ થયો છે અને સોમનાથ મંદિર સહિત દીવ, સાસણ અને તુલસીશ્યામમાં દેશભરમાંથી પ્રવાસીઓ આવતા હોય છે અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે પરંતુ સરકાર અને હાઇવે ઓથોરિટી જાણે લોકોને લૂંટવા બેઠી હોય તેમ વેરાવળ નજીકના ડારી ટોલનાકાથી લઈ કોડીનાર સુધીના 63 કિલોમીટરના વિસ્તારમાં ત્રણ ટોલનાકા ઉભા કરી દેતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે ડારી ટોલનાકું કાર્યરત છે અને આગામી દિવસોમાં વધુ બે ટોલ બુથો શરૂ થવાની તૈયારીને લઈ પ્રવાસીઓ ભારોભાર રોષ વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો: રાજસ્થાનમાં ચોમાસું સક્રિય, અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ

ટુરિઝમને લઈને સાસણ, જુનાગઢ, સોમનાથ અને દીવ આ પર્યટન સ્થળો વચ્ચે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ સમગ્ર વર્ષ દરમિયાન આવતા હોય છે, આવી પરિસ્થિતિમાં વધુ નવા બે ટોલ બુથ શરૂ થવાને કારણે એક વખત અહીંથી દીવ જવા અને દીવથી પરત આવવા માટે હજાર રૂપિયા કરતા વધુનો ખર્ચ વધારાનો ચૂકવવો પડશે, તો બીજી તરફ ઉનાથી જુનાગઢ વચ્ચે ચાલતા સ્થાનિક નાના વાહનચાલકો પણ દિવસમાં બે વખત જૂનાગઢથી ઉના વચ્ચે ચાલતા હોય છે. આવી પરિસ્થિતિમાં તેમને પણ વધારાના ટોલ બુથના ચાર્જ ચૂકવવો પડશે. જેથી આ માર્ગ પર બની રહેલા ટોલબૂથને કારણે વ્યાપારીક અને પ્રવાસી એમ બંને પ્રકારના વાહન ચાલકોને નુકસાન થશે. જેનો રોષ કોંગ્રેસના અગ્રણીઓ પણ વ્યક્ત કરી રહ્યા છે.