December 25, 2024

શ્રાવણ માસમાં સાપુતારા હિલ સ્ટેશન સ્થિત નાગેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી

સાપુતાર: હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ મહિના દરમિયાન ભક્તો ભગવાન ભોળાનાથની ભક્તિભાવથી પુજા કરે છે અને તેમની ભક્તિમાં લીન થઈ જાય છે. પરંતુ હિલ સ્ટેશન સાપુતારામાં એક એવી ઘટના બની છે જેને જાણીને શિવભક્તોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. અહીં શ્રાવણ માસમાં ભગવાન શંકરના મંદિરમાં ચોરી થતા ભક્તોની લાગણી દુભાઈ છે.

સાપુતારા હિલ સ્ટેશન સ્થિત નાગેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી થતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભક્તોનું કહેવું છે કે, હવે ચોર મંદિરને પણ બક્ષતા નથી અને ભગવાનના મંદિરમાં પણ હાથફેરો કરી રહ્યા છે. જોકે નાગેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી થયેલ ઘટના CCTVમાં કેદ થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, 7 ઓગસ્ટની વહેલી સવારે નાગેશ્વર મહાદેવ મંદિરમાં અજાણ્યા શખ્સો ઘૂસ્યા હતા અને બાદમાં દાનપેટીનું તાળુ તોડી તેમા રહેલી રોકડ રકમની ચોરી કરી હતી. એક જાણકારી અનુસાર, નાગેશ્વર મહાદેવ મંદિરમાં રહેલી દાનપેટીમાં લગભગ 9 હજાર રકમ હતી, જેના પર ચોરે હાથફેરો કર્યો હતો અને ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. હાલમાં પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.