January 22, 2025

ભાજપ-કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે ‘X’ વોર, ઘણા નેતા લપેટામાં આવી ગયા

અમદાવાદ: લોકસભા 2024ની ચૂંટણીને લઇ તમામ પાર્ટીઓએ કમર કસી લીધી છે. ત્યારે ગુજરાતમાં પણ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે નિવેદનોનો મારો શરૂ થઇ ગયો છે. આ દરમિયાન કોંગ્રેસના પરેશ ધાનાણી અને ભાજપના યજ્ઞેશ દવે વચ્ચે ‘X’ વોર શરૂ થઇ ગયું છે. કોંગ્રેસ પ્રવક્તા પરેશ ધાનાણીએ પોતાના એક ટ્વીટથી ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. તેમણે ગુજરાત ભાજપના કેટલાક ઉમેદવારોના નામ લઇ એક કવિતા શેર કરી છે, જેમાં તેઓએ ભીખુસીંહ, વડોદરા સીટથી ભાજપની ટિકિટ પરત કરનારા રંજનબેન, નારણભાઈ, રમેશ ધડૂક, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભારતીબેન અને નીતિન પટેલ પર કટાક્ષ કર્યો છે.

પરેશ ધાનાણીએ પોતાના ટ્વીટથી વ્યંગ કર્યો
આ દરમિયાન ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે એ પણ એક ટ્વીટ કરીને કોંગ્રેસની બોલતી બંધ કરી છે. તેમણે ગુજરાત કોંગ્રેસના નેતાઓને ટાંકીને એક સોશિયલ મીડિયા હેન્ડલ પર એક્સ પર એક ટ્વીટ કર્યું છે. જે વાયુવેગે વાયરલ થઇ રહ્યું છે. ડો. યજ્ઞેશ દવેએ પોતાના ટ્વીટમાં કોંગ્રેસ ટનાટન નહીં પરંતુ કોંગ્રેસ ‘ના’ પાડવામાં ટનાટન છે તેવું જણાવ્યું છે.

ડો. યજ્ઞેશ દવેએ પોતાના ટ્વીટમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ, રાજકોટથી પરેશ ધાનાણી, અમરેલીથી પ્રતાપ દુધાત, અમદાવાદ પુર્વથી રોહન ગુપ્તા, આણંદથી ભરત સોલંકી, પાટણથી જગદીશ ઠાકોર, અમદાવાદ પુર્વથી હીંમતસિહ પટેલ, અમદાવાદ પશ્ચિમથી શૈલેષ પરમારની કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટણી નહીં લડવાને લઇ વ્યંગ કર્યો છે. આ દરમિયાન તેમણે એક અખબારનો ફોટો પણ પોતાની પોસ્ટમાં શેર કર્યો છે. આમ ભાજપ અને કોંગ્રેસ બંને નેતાઓના ‘X’ વોરથી હાલમાં ગુજરાત ભાજપના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.