‘દુનિયા જાણે છે કે આતંકવાદનું કેન્દ્ર ક્યા છે…’, ટ્રેન હાઈજેક પર ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ

India: બલુચિસ્તાનમાં ટ્રેન હાઇજેકની ઘટના અંગે પાકિસ્તાનના નિવેદનનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાને ત્યાં થતા આતંકવાદી હુમલાઓમાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. 11 માર્ચે પાકિસ્તાનમાં બલૂચ ઉગ્રવાદીઓએ ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ પર હુમલો કરીને કબજો જમાવ્યો હતો. પાકિસ્તાન સરકારે ટ્રેન હાઇજેકમાં સુરક્ષામાં ખામી માટે અફઘાનિસ્તાનને દોષી ઠેરવ્યું હતું.
જ્યારે 13 માર્ચ, ગુરુવારે એક પત્રકાર પરિષદ દરમિયાન પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા શફકત અલી ખાને હાઇજેક અંગે અફઘાનિસ્તાનથી કરવામાં આવેલા કોલના પુરાવા રજૂ કર્યા. જ્યારે તેમને આતંકવાદી હુમલાઓ અંગે ભારતથી અફઘાનિસ્તાન પ્રત્યે પાકિસ્તાનના વલણમાં ફેરફાર વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે પોતાનો અભિપ્રાય જાળવી રાખ્યો. તેમણે કહ્યું, “અમે અફઘાનિસ્તાનને આતંકવાદના આ નિંદનીય કૃત્યના ગુનેગારો, આયોજકો, નાણાકીય સહાયકોને જવાબદાર ઠેરવવા વિનંતી કરીએ છીએ અને માગ કરીએ છીએ કે પાકિસ્તાન સરકાર આતંકવાદના વાસ્તવિક પ્રાયોજકો સહિત આ હુમલામાં સામેલ તમામ લોકોને ન્યાયના કઠેડામાં લાવે.” ખાને ભારત પર તેની સરહદોની અંદર આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ મૂક્યો, ખાસ કરીને જાફર એક્સપ્રેસ પરના હુમલાનો ઉલ્લેખ કર્યો હતો.
આ પણ વાંચો: ઉનાના કોળીવાડામાં ધૂળેટીના દિવસે રમવામાં આવે છે અઠિંગો દાંડિયા રાસ
જેની પર ભારતે શુક્રવારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના એ દાવાને સખત શબ્દોમાં નકારી કાઢ્યો કે બલુચિસ્તાનમાં જાફર એક્સપ્રેસ હાઇજેકમાં ભારતનો હાથ હતો. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “પાકિસ્તાન દ્વારા લગાવવામાં આવેલા પાયાવિહોણા આરોપોને અમે સખત શબ્દોમાં નકારી કાઢીએ છીએ. આખી દુનિયા જાણે છે કે વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર ક્યાં છે. પાકિસ્તાને પોતાની આંતરિક સમસ્યાઓ અને નિષ્ફળતાઓ માટે બીજાઓ પર આંગળી ચીંધવા અને દોષ આપવાને બદલે પોતાની અંદર જોવું જોઈએ.”