January 19, 2025

હરણી દુર્ઘટના મામલે તંત્ર હવે જાગ્યું, એસ.આઈ.ટીની રચના કરી

વડોદરા શહેરની પાસે આવેલા હરણી તળાવમાં ગુરુવારે (18 જાન્યુઆરી) સાંજે બોટ પલટી જતાં 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના મોત થયા હતા. પોલીસે આ મામલે 18 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે, હરણી બોટ દુર્ઘટના મામલે વધુ 3 આરોપીની કરાઈ અટકાયત કરાઇ છે. હરણી લેક ઝોનના સંચાલક શાંતિલાલ સોલંકીની અટકાયત પણ અટકાયત કરવમાં આવી છે. આ દૂર્ધટના મામલે અત્યાર સુધી 5 આરોપીઓની અટકાયત કરાઈ છે. ક્રાઈમ બ્રાન્ચના ACP ની અધ્યક્ષતામાં તપાસ થઈ રહી છે. માહિતી અનુસાર બોટમાં 14 લોકોની બેઠક ક્ષમતા હતી પરંતુ તેમાં 29 મુસાફરો સવાર હતા. તે જ સમયે, બોટ પર લાઇફ જેકેટ પણ ઉપલબ્ધ નહોતું. હજુ પણ આ દુર્ઘટના મામલે એક બાળક લાપત્તા છે. ઉપરાંત, બચાવ કામગીરી માટે કોઈ નિયુક્ત વ્યક્તિ અને સીસીટીવી નહોતા. બીજી બાજુ અકસ્માતના પગલે કોર્પોરેશનમાં ખળભળાટ મચી ગયો છે. તળાવમાં બાળકો ગુમાવનારા વાલીઓએ ફાંસીની સજાની માંગ કરી છે. કોર્પોરેશનના ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે. મળતી માહિતી મુજબ પરેશ શાહને આ કોન્ટ્રાક્ટ એક બેફામ અને પ્રભાવશાળી લોકોની ભલામણ પર આપવામાં આવ્યો હતો. અકસ્માતમાં સૌથી મોટી બેદરકારી કોન્ટ્રાક્ટરની છે તો પછી સુરક્ષા માટે જવાબદાર અધિકારીઓએ પોતાની ફરજ કેમ નિભાવી નથી. હાલ હરણી તળાવમાં બોટ ચલાવી રહેલા કોન્ટ્રાક્ટર પરેશા શાહ ફરાર હોવાનું કહેવાય છે. હાલમાં ગાંધીનગરમાં ફરજ બજાવતા તત્કાલિન કોર્પોરેશન કમિશનર આ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવા માંગતા ન હતા, પરંતુ અંતે અત્યંત પ્રભાવશાળી વ્યક્તિના આગ્રહથી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનું પણ બહાર આવ્યું છે.

બાળકોને વોટર પાર્કમાં લઈ જવાના હતા, સ્કૂલે પિકનિકનું સ્થળ બદલી નાખ્યું
વડોદરા તળાવની ઘટનામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલે પિકનિકને વોટર પાર્કમાં લઈ જવાનું કહ્યું હતું, પરંતુ સ્કૂલે પિકનિકનું સ્થળ બદલી નાખ્યું હતું. અકસ્માત બાદ વાલીઓ પોતાના બાળકોને રોજની જેમ લેવા શાળાએ પહોંચ્યા હતા. ત્યાં તેને બાળકોના મોતની માહિતી મળી. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે શાળાએ પિકનિકને લઈને જિલ્લાના ડીઈઓ સાથે કોઈ પત્રવ્યવહાર પણ કર્યો ન હતો. અકસ્માતમાં માર્યા ગયેલા બાળકોના પરિજનોનો આરોપ છે કે શાળાએ પિકનિક માટે 750 રૂપિયા પણ લીધા હતા. ઘણી વખત જ્યારે સ્કૂલ મેનેજમેન્ટ બાળકોને બહાર લઈ જાય છે, ત્યારે તેઓ પરવાનગી પત્રમાં લખે છે કે બાળકોની સલામતીની જવાબદારી વાલીઓ પર રહેશે, જ્યારે પિકનિક અને આઉટડોર પ્રવૃત્તિઓમાં સલામતીની જવાબદારી સ્કૂલની હોવી જોઈએ.

બોટ દુર્ઘટના ગુજરાત હાઈકોર્ટ પહોંચી, તપાસ માટે ઉચ્ચસ્તરીય સમિતિની રચના
આ ઘટનાને પગલે ગુજરાત સરકાર એકશ્નમાં આવી ગઇ છે. બોટ પલટીની દુર્ઘટના મામલે એસ.આઇ.ટીની રચના કરવામાં આવી છે. 7 સભ્યોની ટીમ તપાસ કરશે. બીજી બાજુ વડોદરા જિલ્લા કલેક્ટરને 10 દિવસમાં વિગતવાર તપાસ અહેવાલ સુપરત કરવા માટે પણ આદેશ આપ્યો છે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ ઘટના માટે જવાબદાર વ્યક્તિની ધરપકડ કરવા માટે ટીમો બનાવવામાં આવી છે અને આ મામલે વ્યાપક તપાસ ચાલી રહી છે. બીજી બાજુ ગુજરાત હાઇકોર્ટ પણ એક્શન મોડ પર છે. હાઇકોર્ટે આ ધટના મુદ્દે કહ્યું કે બેદરકારીના કારણે નિર્દોષ બાળકોના જીવ ગયા એ સાંખી લેવાશે નહીં. વડોદરા બોટ અકસ્માતનો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. આ અકસ્માત અંગે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશને હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ સમક્ષ સુઓમોટો સંજ્ઞાન લેવા માટે અરજી કરી હતી. હાઈકોર્ટમાં સુઓમોટો પિટિશન દાખલ કરવાની દરખાસ્ત સ્વીકારવામાં આવી છે. હાઈકોર્ટે દસ્તાવેજી પુરાવા માંગ્યા છે. 18 જાન્યુઆરીની સાંજે વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો સહિત કુલ 14 લોકોના મોત થયા હતા. આ કેસમાં મોટા પાયે બેદરકારી બહાર આવી હતી.ન્યુ સનરાઈઝ સ્કુલના સંચાલકોએ જાહેરાત કરી કે મૃતક વિદ્યાર્થીઓના ભાઈ તથા બહેનને સ્કૂલમાં ફ્રી એજ્યુકેશન આપશે, જેમાં કેજી થી લઈ 12 ઘોરણ સુઘીનુ મફત શિક્ષણ આપશે. વધુમાં જણાવ્યું કે સંતાનો ગુમાવનાર સ્વજનોના અન્ય સંતાનને પણ એજ્યુકેશન અપાશે.

આ પણ વાંચો : બોટ,બાળકો અને બહાના, ભૂલકાઓના જીવના જવાબદાર કોણ?

હત્યાનો ગુનો નોંધવાની માંગ
હરણી તળાવ દુર્ઘટના વિપક્ષો આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધવાની માંગ કરી રહ્યાં છે. વડાદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)માં વિપક્ષી નેતા અમી રાવતે માંગ કરી છે કે વિરોધ હોવા છતાં હરણી તળાવનો કોન્ટ્રાક્ટ કોટિયા પ્રોજેક્ટ્સને આપવામાં આવ્યો હતો. રાવતે મીડિયાને કહ્યું કે તેમની માંગ છે કે આ મામલા સમગ્ર તપાસ ઉંડે સુધી થવી જોઈએ. આ અકસ્માત નથી પરંતુ હત્યાનો મામલો છે. આવી સ્થિતિમાં આરોપી કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી થવી જોઈએ. રાવતે એમ પણ કહ્યું કે કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓને પણ કાર્યવાહીના દાયરામાં લાવવા જોઈએ.

હરણી તળાવના ડાકોરમાં પડઘા
વડોદરાની ઘટના બાદ ડાકોર ગોમતી નૌકા વિહાર પર કાર્યવાહી કરવા માગ ઉઠી છે. બોટ સંચાલક દ્વારા નિયમોના ભંગ કરવા બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં કાર્યવાહી નહીં થતાં અરજદાર દ્વારા જળ સમાધિ લેવાની ચીમકી ઉચ્ચારી છે. ગઈ કાલે જ વડોદરાની સ્કૂલ માં ભણતા બાળકો ની વડોદરા હરણી તળાવ માં બોટ પલટી જવાથી ખુબજ દુઃખદ અને મોટી હોનારત સર્જાઈ હતી. જેના માતા પિતાએ પોતાના લાડકવાયા અને પોતાની ઘડપણની લાકડી કહેવાતા બાળકોને ગુમાવ્યા છે. ડાકોર ગોમતી નૌકા વિહાર વિરૂદ્ધ થોડા મહિના પહેલા જીતુભાઈ સેવક દ્વારા અરજી કરવામાં આવી હતી. ડાકોર ગોમતી નૌકા વિહારના સંચાલક આક્ષેપ કર્યા છે કે સુર્યાસ્ત થઈ ગયા બાદ પણ નદીમાં બોટો ફેરવે છે, જે ગંભીર ઘટનાઓને નિમંત્રણ આપે છે. જેને લઈને પાલિકા સામે ઘણી વખત કાર્યવાહી કરવા માટે અરજદાર દ્વારા સૂર્યાસ્ત બાદ પણ નૌકા ગોમતીમાં ફેરવતા હોવાના વિડીયો સાથે રાખીને પુરાવા સાથે અરજીઓ કરવામાં આવી હતી. તેમ છતાં પણ પાલિકા દ્વારા માત્ર ખુલાસો લઈ ને કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરતા હવે અરજદાર જીતુભાઈ સેવક દ્વારા ડાકોર રણછોડરાયજી મંદિર ની સામે જ મૃતક બાળકોને શ્રદ્ધાંજલિ આપીને ડાકોર માં ચાલતા નૌકા વિહાર પર પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગને લઈને પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છે. જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો અરજદાર દ્વારા ગોમતી માં જળ સમાધિની ચીમકી પણ ઉચ્ચારી છે.