January 27, 2025

અમદાવાદના મિનારાને પણ ટક્કર આપે તેવા ઉના નજીક આવેલ દેલવાડાના ઝુલતા મિનારા…

ધર્મેશ જેઠવા, ઉના: અમદાવાદમાં આવેલા પ્રખ્યાત ઝૂલતા મિનારાથી સૌ કોઈ પરિચિત છે, પરંતુ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના દેલવાડા ગામે જુના ઐતિહાસિક ઝૂલતા મિનારા આવ્યા છે. ઇ.સ. 1291 માં દેલવાડાની મસ્જીદનું નિર્માણ થયું હતુ અંદાજિત 80 ફૂટ ઊંચાઈ ધરાવતા આ મિનારા 700 વર્ષ જૂના છે આ ઝુલતા મિનારાની ખાસિયત એ છે કે એક બાજુથી તેને હલાવવામાં આવે તો બંને એક સાથે હાલે છે જુનવાણી બાંધકામનો બેનમૂન નમૂનો કઇ શકાય તેવા બાંધકામો ખુબ ઓછા છે તેમાનું એક 700 વર્ષ જુનું ઝુલતા મીનારાનું બાંધકામ ઊના નજીકનાં દેલવાડામાં આવેલુ છે.આજે આવા મીનારા વિશ્ર્વમાં ત્રણ જગ્યાએ છે. તેમાનો એક આ મીનારો ગણાય રહ્યો છે. જેની ખુબીએ છે કે અહિ બન્ને મીનારા એક -બીજાથી 70 ફુટ દુર હોવા છત્તા એક સાથે હલે છે. તે અજાયબીની વાત છે. આજે આ જગ્યા સરકાર દ્વારા રક્ષિત સ્મારક તરીકે જાહેર કરાયેલી છે અને પર્યટકો માટે ખુલ્લી મુકાય છે.

ઊના પંથકનાં દેલવાડા ગામમાં આવેલ ઝુલતા મીનારાનું બાંધકામ 13મી સદીમાં એટલે કે 1291માં 700 વર્ષ પહેલા થયાનું કહેવાય છે. આ બાંધકામ મુગલ શાસન વખતે મહેમુદ તુગલખ કે મહોમદ ગઝની એ કર્યાનું જાણવા મળે છે. આ જગ્યાએ મસ્જીદ પણ આવેલી છે અને હઝરત સુલેમાન શાહ પીરની દરગાહ પણ આવેલી છે. અહીં મિનારા અંગેની માહિતી આપતો કોઈ લેખ કે અન્ય લખાણ નથી. પરંતુ આ એક ઐતિહાસિક સ્થાપત્યના વિકસની જાળવણી હજુ પણ જળવાઈ રહી છે. આજે આ જગ્યાને સરકાર દ્રારા રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવી છે,પરંતુ સમયની સાથે સમારકામની જરૂર હોય જે ન થતા અંતે ગામના મુસ્લિમ સમાજે આ બીડું ઝડપી ફંડ ઉઘરાવી 2015માં તેનું સમારકામ કરાવી આ વીરાસતને સાચવી રાખી છે. જોકે વિશ્વમાં ત્રણ જગ્યાએ આવા મીનારા છે. જેમાં અમદાવાદ, દેલવાડા અને ઇરાનમાં આવા મીનારા આવેલા છે, પરંતુ જાળવેણીના અભાવે આજે દેલવાડા એકમાં આ મીનારા સચવાયેલા છે, પર્યટકોને હજી આ જગ્યા વિશે એટલો ખ્યાલ ન હોવાને કારણે હજુ આ જગ્યા એટલી જાણીતી થઇ નથી. આ જગ્યાનું મુખ્ય આકર્ષણ એ છે કે 70 ફુટ દુર હોવા છત્તા એક મીનારો હલાવોતો બીજો મીનારો આપ મેળે હલવા લાગે છે. આવા જોવા લાયક સ્થળને સરકાર દ્રારા પર્યટક સ્થળ તરીકે વિકસાવવું જોઇએ તેમ સ્થાનિક લોકોની માંગ છે. 700 વર્ષ જૂના અડીખમ ઉભેલા દેલવાડા ગામે આવેલા ઝુલતા મીનારા અહીં જોઈ શકાય છે.

700 વર્ષ જુનુ આ બાંધકામ ચુના અને પથ્થરથી કરવામાં આવ્યું છે આમા કયાંય રેતી કે સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેટલુ જ નહીં પરંતુ 2003ના ભૂકંપ, તોકતે વાવાઝોડા જેવા ત્રણ મોટા વાવાઝોડાઓ આવ્યા છતાં પણ આ મીનારાને કઇ થયું ન હતું. કહેવાય છે કે વર્ષો પહેલા વિદેશથી ઈજનેરો અહીં આવ્યા હતા અને મીનારાના પાયા ખોદી તેના હલવાનું કારણ ગોત્યું હતું, પરંતુ તેને તે કારણ મળ્યું ન હતું. આમ આજે પણ મીનારા શા કારણે હલે છે તે કારણ અકબંધ છે. બંને મીનારાની ઉંચાઇ 80 ફુટ જેટલી છે, જેમાં 90 પગથીયાં છે અને મીનારા 5 માળની ઇમારત જેટલા ઉચા છે. મીનારામાં હવા બારીઓ પણ મુકવામાં આવી છે અને જુનવાણી નક્ષી કામ પણ જોવા મળે છે.

આ જગ્યા પર્યટકો માટે વિના મુલ્યે ખુલ્લી મુકવામાં આવી છે. તેમ છત્તા ઘણીવાર અહીં મસ્જીદ આવેલી હોવાના કારણે ઘણા પર્યટકો સંકોચને કારણે અંદર જતા નથી, પરંતુ અહીં મીનારાને જોવા જવા માટેનો અલગ રસ્તો બનાવવામાં આવ્યો છે. તેમજ આ ઝુલતા મિનારાની બહારના ભાગે પુરાતત્વ ખાતા દ્વારા એક તકતી લગાવવામાં આવી છે, પરંતુ પુરાતત્વ વિભાગ દ્વારા આની જાળવણી પણ કરવામાં આવતી નથી જેથી જાળવણી કરવામાં આવે અને આ મિનારા આસપાસનો વિકાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી