July 5, 2024

Suratમાં 22 માસૂમોને ભરખી જનાર સુરત તક્ષશિલા અગ્નિકાંડ, આજે પણ યાદ છે…

અમિત રૂપાપરા, સુરત: સુરતમાં 24 મે એટલે કાળો દિવસ તરીકે ઓળખાય છે. આ કહેવાનું કારણ એવું છે કે, 24 મે, 2019ના રોજ સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડમાં આગ ફાટી નીકળી હતી. જેમાં 22 વિદ્યાર્થીઓનાં મોત થયાં હતાં. આ ઘટનાના 5 વર્ષ બાદ પણ મૃતક બાળકોના પરિવારના સભ્યો ન્યાય માટે ઝંખી રહ્યા છે. 24 મે 2019ના દિવસે બપોરના સમયે તક્ષશિલા બિલ્ડિંગની પાછળના ભાગમાં એરકન્ડિશનરના આઉટર યુનિટમાં સ્પાર્ક થયો હતો ત્યારબાદ આગની શરૂઆત થઈ હતી. આગ ધીમે ધીમે આગળ વધી હતી ત્યારબાદ આગે જાહેરાત માટે લગાડવામાં આવેલી વિશાળ પેનલને ઝપેટમાં લીધી હતી. ત્યારબાદ આગ બિલ્ડિંગમાં નીચેના મીટરરૂમ સુધી પહોંચી ગઈ હતી અને તે સળગી ઊઠ્યો હતો. પ્રથમ અને બીજા માળના લોકો સિમેન્ટની સીડી મારફત નીચે ઊતરી ગયા હતા એટલે આ બંને ફ્લોર ઉપર કોઈ જાનહાનિ થઈ નહોતી.

તક્ષશિલા આર્કેડના ત્રીજા માળે ક્લાસરૂમમાં બનાવટી છત લગાડવામાં આવી હતી. આ માળની હાઇટ પણ ઓછી હતી. ઉપરાંત તેમાં બેસવા માટે ખુરશીને બદલે ડિઝાઇનર ટાયરનો ઉપયોગ કરાયો હતો. બનાવતી છત અને ટાયર જ્વલનશીલ હોવાને કારણે આગ ત્રીજા માળ પર ફેલાઈ ગઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ પાસે નીચે ઉતરવાનો કોઈ રસ્તો નહોતો તેથી વિધુર્થીઓ ચોથા માળે પહોંચી ગયા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓએ જીવ બચાવવા ચોથા માળેથી કૂદીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો. આ ઘટનામાં કેટલાક વિદ્યાર્થીઓના ગંભીર ઈજાઓના મૃત્યુ થયાં હતાં. આ ઘટનામાં કુલ 22 માસૂમોના જીવ ગયા હતા.

આ કેસમાં કુલ 14 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ 14 લોકોમાં અતુલ ગોરસાવાલા, હિમાંશુ ગજ્જર, પરાગ મુન્શી, વિનુ પરમાર, દીપક નાયક, જિજ્ઞેશ પાઘડાલ, કીર્તિ મોડ, સંજય આચાર્ય, જયેશ સોલંકી, ભાર્ગવ બુટાણી, રવિ કહાર, હરસુખ વેકરિયા, દિનેશ વેકરિયા અને સવજી પાઘડાલનો સમાવેશ થાય છે. જેમ જેમ આ કેસમાં તપાસ આગળ વધતી રહી તેમ તેમ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓએ ગ ગુનામાંથી છટકવા માટે અલગ અલગ જમીન અરજીઓ પણ કરી હતી ઉપરાંત તેઓ હાઇકોર્ટના શરણે પણ ગયા હતા. ત્યાં અરજી ના મંજૂર થઈ અને આ સમગ્ર પ્રક્રિયામાં 4 મહિનાનો સમય વીતી ગયો હતો.

ચાર્જ ફ્રેમ બાદ આ કેસમાં સર તપાસ, ઊલટ તપાસ શરૂ થઈ હતી તો કેસમાં 226 સાક્ષી ચકાસવાના હતા. કેસમાં સાક્ષીઓ ચકાસવાનું 20 મેથી શરૂ થયું હતું. ચાર્જફ્રેમની કાર્યવાહી દરમિયાન જો કોઈ પણ આરોપી ગેરહાજર હોય તો કોર્ટ કાર્યવાહી અટકી જતી હોય છે. આ કેસમાં ત્રણ વાર બન્યું કે ચાર્જ ફ્રેમની તમામ તૈયારીઓ થઈ ગઈ. જામીન મુક્ત આરોપી કોર્ટમાં પણ આવ્યા પણ પોલીસ જાપતો જ ન મળતાં આરોપીઓ લાજપોર સેન્ટ્રલ જેલથી સુરત કોર્ટ સુધી ન લાવી શક્યા.

27મી ફેબ્રુઆરી 2020ના રોજ તક્ષશિલા અગ્નિકાંડનો કેસ નીચલી કોર્ટમાંથી સેશન્સ કમિટ થયો હતો. ત્યારબાદ કોરોનાની મહામારીના કારણે કોર્ટની કાર્યવાહીમાં વિલંબ થયો હતો. કોરોના મહામારીમાં દિવાળી સુધી કોર્ટ બંધ રહી હતી ત્યારબાદ. તમામ કોર્ટમાં ફિઝિકલ હિયરિંગ શરૂ થયું પણ એકાએક જ કોરોનાની બીજી લહેરમાં કેસમાં સતત વધારો થતા ટૂંક સમયમાં કોરોનાની બીજી લહેર ઊઠતાં ફરી કોર્ટમાં ઓનલાઇન પ્રોસિઝર થઈ શરૂ થઈ હતી. 20 મેં 2023ના રોજ કોર્ટમાં વાલીઓના નિવેદન લેવાની શરૂઆત થઈ હતી. બે વાલીઓએ જ્યારે કોર્ટમાં આવ્યા ત્યારે પોતાનું દુ:ખ રોકી ન શક્યા અને કોર્ટમાં રડી પડ્યા હતા. આ કેસમાં હાલ તમામ આરોપીઓ જેલમાંથી મુક્ત થયા છે. પણ તમામ બાળકોના પરિવારના સભ્યો એક જ શબ્દ કહી રહ્યા છે કે આરોપીઓને કડકમાં કડક સજા થાય.

આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ન ચાલતો હોવાના કારણે 258 સાક્ષીઓમાંથી હજુ સુધી 93 જ સાક્ષી ચકાસાયા છે. આ કેસની સુનાવણી સેશન્સ કોર્ટમાં રોજ ચાલે એ બાબતની એક અરજી કરવામાં આવી હતી પણ કોર્ટમાં કેસનું ભારણ હોવાના કારણે અરજી ના મંજૂર કરવામાં આવી હતી.

તક્ષશિલા અગ્નિકાંડની દુર્ઘટનામાં જતીન નામનો યુવક ચોથા માળેથી કૂદ્યો હતો. તેને ગંભીર ઇજા થઇ હોવાના કારણે તે થોડો સમય કોમામાં પણ રહ્યો હતો. ત્યારબાદ લાંબા સમયની સારવાર પછી હાલ તે ઘરેથી જ સારવાર લઇ રહ્યો છે. ડોકટરો એક જ રટણ કરે છે કે જતીનને સારું થઈ જશે પણ ક્યારે સારું થશે તે કહેતા નથી.

એડવોકેટ પીડી માંગુકિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તક્ષશિલા અગ્નિકાંડમાં હજુ પણ ન્યાય મળતા એકથી દોઢ વર્ષ જેટલો સમય લાગશે. આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તો ન્યાય વહેલો મળી શકે છે. 24 મે 2019 ના રોજ તક્ષશિલા અગ્નિ કાંડની ઘટના બની હતી અને ત્યારબાદ આ કેસમાં પોલીસ તરફથી 10000 પેજની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસમાં 258 જેટલા સાક્ષીઓ હતા એમાંથી 180ને અત્યાર સુધીમાં તપાસવામાં આવ્યા છે અને 28 થી 30 સાક્ષીઓને તપાસવાના બાકી છે.

આ ઉપરાંત એડવોકેટ પીડી માંગુકિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તક્ષશિલા અગ્નિકાંડની ઘટનામાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ, વીજ કંપનીના અધિકારી, ફાયર ઓફિસર, ગેરકાયદેસર બાંધકામ કરનારા અને સંચાલકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. જેમાંથી 14 આરોપીના ત્રણ વર્ષ બાદ જામીન મંજૂર થયા હતા અને તેઓ જામીન મુક્ત થયા હતા. આ ઉપરાંત કોર્ટના આદેશ મુજબ આરોપીઓએ ભોગ બનનારના પરિવારને ચૂકવવાનું કંપનસેશન પણ કોર્ટમાં જમા કરાવ્યું છે પરંતુ હજુ સુધી એક પણ બાળકના પરિવારે એક પણ રૂપિયો લીધો નથી અને ત્રણ કરોડ જેટલી રકમ હજુ કોર્ટમાં જમા છે. આ ઉપરાંત એડવોકેટ પીડી માંગુકિયા દ્વારા એવુ પણ જણાવવામાં આવ્યું હતું કે આરોપીઓ કોર્ટમાં અલગ અલગ અરજીઓ કરી રહ્યા હોવાના કારણે આ કેસ લાંબો ચાલી રહ્યો છે.

આ ઉપરાંત એડવોકેટ પીડી માંગુકિયા દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજકોટમાં જે ઘટના બની છે તેમાં પણ સંચાલકોની સાથે તંત્રની સંયુક્ત જવાબદારી છે એટલે અધિકારીઓ સામે પણ પોલીસે ફરિયાદ દાખલ કરવી જોઈએ અને જવાબદારો તમામ સામે કાર્યવાહી થવી જોઈએ કારણકે જ્યારે આ પ્રકારે બાંધકામ થયો ત્યારે તેની મંજૂરી તંત્ર દ્વારા જ આપવામાં આવી હતી. આ ઉપરાંત ત્યારબાદ ચકાસણી કરનારા અધિકારીઓ દ્વારા પણ સંચાલક તરફે નિર્ણય આપવામાં આવ્યો એટલે જવાબદાર તમામ અધિકારીઓ સામે પણ પોલીસે ફરિયાદ દાખલ કરવી જોઈએ.