December 23, 2024

સુપ્રીમ કોર્ટ કરશે હાથરસ દુર્ઘટનામાં 121 લોકોના મોતનો હિસાબ, 12 જુલાઈએ સુનાવણી

Hathras Stampede Case: હાથરસમાં ભોલે બાબાના સત્સંગમાં થયેલ ભાગદોડમાં 121 લોકોના મોતનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટ આ મામલે આગામી 12 જુલાઇના રોજ સુનાવણી ધરશે. CJI ડિ. વાય. ચંદ્રચૂડે કહ્યું છે કે તેમણે આ કેસને કોર્ટમાં લિસ્ટ કરવાના નિર્દેશો આપી દીધા છે.

ઉત્તર પ્રદેશના હાથરસમાં 2 જુલાઈના રોજ ભોલે બાબાના સત્સંગમાં ભાગદોડ મચી ગઈ હતી. જેમાં 121 લોકોના મોત થઈ ગયા. ઉત્તર પ્રદેશની યોગી સરકારે આ મામલાની તપાસ માટે SITની રચના કરી છે. હાથરસ સ્ટેમ્પેડ કેસની તપાસ માટે રચાયેલી SITએ પણ પોતાનો રિપોર્ટ યોગી સરકારને સોંપી દીધો છે.

SITએ કહ્યું કેમ થઈ હતી દુર્ઘટના?
SITએ આ કેસમાં હાથરસના ડીએમ આશિષ કુમાર અને એસપી નિપુન અગ્રવાલ અને સત્સંગની પરવાનગી આપનાર એસડીએમ અને સીઓના નિવેદન પણ નોંધ્યા છે. આ ઉપરાંત સત્સંગમાં ફરજ પરના પોલીસકર્મીઓ સહિત અનેક લોકોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, SITના રિપોર્ટમાં સત્સંગનું આયોજન કરતી સમિતિએ પરવાનગી કરતાં વધુ લોકોને બોલાવવા, પૂરતી વ્યવસ્થા ન કરવા તેમજ પરવાનગી આપવા છતાં અધિકારીઓ દ્વારા સ્થળનું નિરીક્ષણ ન કરવા જેવી બેદરકારીઓ દાખવવામાં આવી હતી. જેને લઈને સત્સંગનું આયોજન કરતી સમિતિને દુર્ઘટના માટે જવાબદાર ઠેરવવામાં આવી આવી છે. .

SITએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ભાગદોડ પાછળ કોઈ ષડયંત્ર હોવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. આ મામલે ઊંડી તપાસની જરૂર છે. આ દુર્ઘટના આયોજકોની બેદરકારીને કારણે સર્જાઇ છે. સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓએ આયોજનને ગંભીરતાથી ન લીધું, સિનિયર અધિકારીઓને પણ તેની પૂરતી જાણકારી નહોતી આપવામાં આવી.

FIR માં ભોલે બાબાના નામનો નથી ઉલ્લેખ 
2 જુલાઈના રોજ સ્થાનિક સિકંદરરાવ પોલીસ સ્ટેશનમાં હાથરસ સ્ટેમ્પેડને લઈને FIR દાખલ કરવામાં આવી હતી. જોકે, દાખલ કરવામાં આવેલ FIRમાં આરોપીઓમાં ભોલે બાબાનું નામ નોંધવામાં આવ્યું હતું. ભાગદોડની ઘટના બાદથી જ ભોલે બાબા ફરાર છે. તેમનું છેલ્લું લોકેશન મૈનપુરી આશ્રમમાં હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ તેનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો. હાલમાં જ ભોલે બાબાએ એક નિવેદન જાહેર કરીને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે આ દુર્ઘટનાના દોષિતોને છોડવામાં આવશે નહીં.