December 24, 2024

CBI કેસમાં કેજરીવાલની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ આવતીકાલે આપશે ચુકાદો

Delhi Liquor Policy Scam: દિલ્હી લિકર કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ આવતીકાલે 13 સપ્ટેમ્બરના રોજ ચુકાદો આપશે. જણાવી દઈએ કે CBI કેસમાં જામીન અરજી સિવાય કોર્ટ ધરપકડને પડકારતી અરજીઓ પર પણ પોતાનો ચુકાદો આપશે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુયાની બેંચ આ નિર્ણય આપશે.

જણાવી દઈએ કે, દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે પહેલાથી જ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. ત્યારબાદ CBI અને કેજરીવાલે પોતપોતાની દલીલો રજૂ કરી હતી. બંને પક્ષોને સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે જામીન અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.

કેજરીવાલની જેલમાંથી જ કરાઇ હતી ધરપકડ
વાસ્તવમાં, કેજરીવાલની અગાઉ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ, તે કેસમાં જામીન મળ્યા બાદ CBIએ જેલમાંથી જ તેમની ધરપકડ કરી લીધી હતી. આ મામલાની સુનાવણી જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની ખંડપીઠે કરી હતી. આ દરમિયાન કેજરીવાલ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી હાજર રહ્યા હતા, જ્યારે CBI તરફથી એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુ હાજર હતા.

સિસોદિયાને 17 મહિના બાદ મળ્યા હતા જામીન
જણાવી દઈએ કે, દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને 9 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી હતી. કથિત દારૂ કૌભાંડમાં ધરપકડ કરાયેલા મનીષ સિસોદિયાને SCમાંથી જામીન મળ્યા છે. મનીષ સિસોદિયા 17 મહિનાથી તિહાર જેલમાં બંધ હતો. કથિત દારૂ કૌભાંડમાં ટ્રાયલ શરૂ કરવામાં વિલંબને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે CBI અને ED બંને કેસમાં જામીન આપ્યા હતા.

કે. કવિતાને 10 લાખ રૂપિયાના બોન્ડ પર મળ્યા હતા જામીન
સુપ્રીમ કોર્ટે 27 ઓગસ્ટે દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા કે. કવિતાને જામીન મળ્યા હતા. ઈડી અને સીબીઆઈના કેસમાં તેમને જામીન મળ્યા હતા. કોર્ટે તેમને બંને કેસમાં 10-10 લાખના બોન્ડ પર જામીન આપ્યા હતા. તેણીને જામીન આપતાં કોર્ટે કહ્યું કે એવું કહી શકાય નહીં કારણ કે તેણી શિક્ષિત છે અથવા ધારાસભ્ય અથવા સાંસદ છે, તેથી તેને પીએમએલએ કાયદાની જોગવાઈઓના લાભોથી વંચિત રાખવામાં આવી શકે છે.