December 19, 2024

દિલ્હી કોચિંગ સેન્ટર દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટે લીધું સ્વતઃ સંજ્ઞાન, દિલ્હી અને કેન્દ્ર સરકારને ફટકારી નોટિસ

દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં ચાલી રહેલા કોચિંગ સેન્ટરમાં UPSCની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓના મોત મામલે સુપ્રીમ કોર્ટે સ્વતઃ સંજ્ઞાન લીધું છે અને આ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારને નોટિસ ફટકારી જવાબ માંગ્યા છે.

જસ્ટિસ સૂર્યકાન્ત અને ઉજ્જલ ભુઇયાની ખંડપીઠે કહ્યું કે રાષ્ટ્રીય રાજધાનીમાં તાજેતરમાં બનેલી આ ઘટના દરેક માટે આંખ ખોલનારી છે. ખંડપીઠે કહ્યું, “આવા સ્થળો (કોચિંગ સેન્ટરો) ‘ડેથ ચેમ્બર’ બની ગયા છે. કોચિંગ સંસ્થાઓ ત્યાં સુધી ઓનલાઈન ચલાવી શકાય જ્યાં સુધી તેઓ સુરક્ષાના ધોરણો અને ગૌરવપૂર્ણ જીવન માટે મૂળભૂત ધોરણોનું સંપૂર્ણ પાલન સુનિશ્ચિત કરે છે. કોચિંગ સેન્ટરો દેશના વિવિધ ભાગોમાંથી આવતા ઉમેદવારોના જીવ સાથે રમત રમી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં 27 જુલાઈના રોજ એક ગંભીર દુર્ઘટના સર્જાઇ. જેમાં, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતી રાવ એકેડમીના બેઝમેન્ટમાં અચાનક પાણી ભરાઈ જતાં ત્રણ વિદ્યાર્થીઓ ડૂબી ગયા હતા. જેમાં તેમના મોત થયા હતા. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 27 જુલાઈની સાંજે અચાનક વરસાદને કારણે લાયબ્રેરીમાં પાણી ભરાઈ ગયા. મૃતકોમાં બે વિદ્યાર્થીની અને એક વિદ્યાર્થિનો સમાવેશ થાય છે. ત્રણેય યુપીએસસીની તૈયારી કરી રહ્યા હતા. મૃતકોની ઓળખ તેલંગાણાની રહેવાસી તાન્યા સોની, કેરળના રહેવાસી નેવિન ડાલવિન અને ઉત્તર પ્રદેશની રહેવાસી શ્રેયા યાદવ તરીકે થઈ છે.

શું હતું દુર્ઘટનાનું કારણ?
29 જુલાઇના રોજ દિલ્હીના મુખ્ય સચિવે દિલ્હી સરકારને પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાજેન્દ્ર નગર ખાતે આવે રાવ કોચિંગ સેન્ટરે ડ્રેનેજ સિસ્ટમ બ્લોક કરી દીધી હતી. સાથે જ સંસ્થા ખાતે બચાવ માટે કોઈ વ્યવસ્થા ન હતી. આ રિપોર્ટમાં અનેક સવાલો પણ ઉઠાવવામાં આવ્યા હતા.

MCD રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જ્યાં કોચિંગ સેન્ટર ચાલી રહ્યું હતું તે પ્રોપર્ટીની પાર્કિંગની ઊંચાઈ આસપાસની પ્રોપર્ટી કરતા ઓછી હતી. આ વિસ્તારની અન્ય ઈમારતોમાં ભારે પાણી ભરાઈ જાય તો પાણીને પાર્કિંગ એરિયા અને ભોંયરાઓમાં આવતા રોકવા માટે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી હતી. રિપોર્ટમાં એમ પણ દાવો કરવામાં આવ્યો છે કે કોચિંગ સેન્ટર બિલ્ડિંગના સિક્યોરિટી સ્ટાફે કોઈ તકેદારી રાખી ન હતી, જેના કારણે પાણી રોકાયા વિના પાર્કિંગ એરિયાને પાર કરીને ભોંયરામાં ઘૂસી ગયું હતું.