January 22, 2025

Women’s Day: સંગીતા બેનની સ્થાપેલી ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર 300 કરોડ

ડેનિષ દવે, મોરબી: આજે મહિલા દિવસ છે, ત્યારે આજના સમયમાં મહિલાઓ પુરુષ સમોવડી તો છે જ પરંતુ પુરુષ થી પણ આગળ નીકળી જવાની ક્ષમતા રાખે છે. વિવિધ ક્ષેત્રમાં મહિલાઓને નેતૃત્વ સોંપવામાં આવી રહ્યું છે જેનું મુખ્ય કારણ છે આવડત, સમજણ અને મહેનત. ત્યારે આપણે એ મહિલા વિશે વાત કરવાના છીએ જેમણે પોતાની ક્ષમતા ની તાકાત બતાવીને મયૂર ડેરી શરૂઆત કરી હતી.

મયૂર ડેરીની કરી સ્થાપના
આ ડેરી વિશે વાત કરતા મયૂર ડેરીના ડાયરેકટર સંગીતાબેન એ જણાવ્યું હતું કે મોરબીના પંચાસર રોડ પર આવેલ મહિલા સંચાલિત મયૂર ડેરીની સ્થાપના વર્ષ 2016-17 માં કરવામાં આવી હતી. સ્થાપના થઇ ત્યારે આ ડેરી માં 6000 જેટલા સભાસદો હતા અને આજે આ ડેરીમાં 27000 સભાસદો છે તેમજ 95 જેટલી મંડળીઓ દૂધ લઈને આવતી હતી. આજે અહી 309 મંડળીઓ માંથી દૂધ આવે છે. તેમજ શરૂઆતમાં 25000 લીટર આસપાસ દૂધ આવતું હતું આજે અહી દરરોજ 1 લાખ 90 હજાર લિટર દૂધ આવે છે. તેમજ જ્યારે આ ડેરી ની શરૂઆત થઈ ત્યારે 56 કરોડની વાર્ષિક ટર્ન ઓવર હતું. આજે મયૂર ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર 300 કરોડ આસપાસ પહોંચી ચૂક્યું છે.

મહિલાઓ કામ કરી શકે છે
વધુમાં તેમણે કહ્યું કે આજના યુગમાં કોઈ એવું ક્ષેત્ર નથી કે મહિલાઓ કામ ન કરી શકે અને દરેક મહિલાઓ પોતાની ક્ષમતા મુજબ કામ કરી શકે છે અને સારા સમાજના ઘડતર માટે મહિલા કેન્દ્ર બિંદુ છે. દરેક મહિલા મોતી નો મોરલો બનાવી શકે તો તે મહિલા કઈ પણ કરી શકે છે અને આવડત ને ઉજાગર કરી ને બહાર નીકળી ને પોતાને આવડતા કામમાં આગળ વધવું જોઈએ.